Gujarat

વરાછા ઝોનમાં ભાજપના પ્રદેશ પ્રમુખના જાહેરમાં લગાયેલા હોર્ડિગ્સ દુર કરાયા

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
વરાછા ઝોનમાં ભાજપના પ્રદેશ પ્રમુખના જાહેરમાં લગાયેલા હોર્ડિગ્સ દુર કરાયા

વરાછા ઝોનમાં પ્રદેશ  પ્રમુખના  જન્મદિવસની શુભેચ્છા આપતા બેનર- કામ ચલાઉ હોર્ડિગ્સ દુર કરતા વિરોધ પક્ષે પાલિકાની કામગીરીના વખાણ કર્યા

પ્રતિનિધિ દ્વારા, સુરત, 16 માર્ચ 2022, બુધવાર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને વર્ષ ગાંઠની શુભેચ્છા આપતા કેટલાક બેનર અને કામ ચલાઉ હોર્ડિગ્સ વરાછા ઝોન દ્વારા દુર કરવામાં આવ્યા હતા. વરાછા ઝોને જાહેર રસ્તા પર પાલિકાની રેલીંગ કે બ્રિજ નીચે મંજુરી વિના લગાવેલા હોર્ડિગ્સ- બેનર દૂર કરતાં પાલિકાના વિપક્ષે પાલિકાની કામગીરીના વખાણ કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા આપતા બેનર પાલિકાએ વરાછા ઝોન માંથી દૂર કર્યા છે પરંતુ હજી અનેક જગ્યાએ છે. પાટીલને શુભેચ્છા આપતા બેનર સાથે સાથે પાલિકાના વખાણ કરતા વિરોધ પક્ષના પણ બેનર અનેક જગ્યાએ જોવા મળે છે તેની સામે હજી પાલિકાએ કોઈ કામગીરી કરી નથી.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મ દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી તેમને શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે. સુરતમાં અનેક વિસ્તારમાં ભાજપના કાર્યકરો, નેતાઓએ પક્ષના પ્રદેશ પ્રમુખને શુભેચ્છા આપતા બેનર અને કામ ચલાઉ હોર્ડિગ્સ  લગાવી દીધા છે. જોકે, આજે વરાછા ઝોન વિસ્તારમાં બ્રિજ નીચે  પક્ષ પ્રમુખ પાટીલને શુભેચ્છા આપતા બેનર અને કામ ચલાઉ હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

સુરત પાલિકામાં વિરોધ પક્ષ રહીને માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ કરતાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે પાલિકાની કામગીરી સોશિયલ મીડિયા પર લાઈવ કરીને પાલિકાની કામગીરી ના વખાણ કર્યા હતા. પહેલી વાર શાસક પક્ષે પાલિકાની મંજુરી વિના લગાવેલા બેનર દુર કરવામા આવ્યા છે તેવી વાત  કરી હતી.

પાલિકાની કામગીરીના વખાણ આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે કર્યા છે. પરંતુ હાલમાં આપ દ્વારા તિરંગા યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં સર્કલ પર તિરંગા યાત્રા બેનર ઉપરાંત આપના અનેક બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાંથી હજી પણ અનેક બેનર પાલિકાની મંજુરી વિના લગાડવામાં આવ્યા છે. તેની સામે હજી સુધી પાલિકાએ કોઈ કામગીરી કરી નથી.  ભાજપના પ્રદેશ પ્રમુખના બેનર વરાછા ઝોને દુર કર્યા છે અને આપના બેનર દુર ન કરતાં આગામી દિવસમાં વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.