સુરતમાં પાટીદાર વિસ્તારમાં તોફાનના ડરથી ભાજપ પ્રમુખ C.R. પાટીલની રેલી રદ
- પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં રાતે ભાજપના બેનરો ફાડી નખાયા
- નીતિન પટેલ સિવાયના નેતાઓના ચહેરા કાળા કરાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના સુરત આગમન વેળા તેમને આવકારવા માટે વિશાળ કાર રેલી યોજવા સુરત ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી હતી પણ શહેરના પાટીદારોની બહુમતીવાળા વિસ્તારો વરાછા, સરથાણા, કતારગામમાં રેલી દરમિયાન તોફાન થવાના ડરથી રેલી છેલ્લી ઘડીએ રદ કરી દેવાઇ હતી.
પાટીદારોના વિસ્તારમાં ભાજપે લગાડેલા બેનરો મોડીરાતે ફાડી નખાયા હતા તેમજ બેનરો પર ભાજપના નેતાઓના ચહેરા પર કાળો કુચડો ફેરવી દેવાયો હતો. તેને લીધે રેલી જ રદ કરવી પડી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા માટે સુરત એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી રેલીનું આયોજન સુરત શહેર ભાજપ દ્વારા થયું હતું.
જોકે, બાદમાં રૂટમાં ફેરફાર કરીને રેલી વાલક પાટીયાથી શરૂ કરી પાટીદાર બહુમતીવાળા વિસ્તારો સરથાણા, વરાછા, કતારગામ થઇ પસાર કરવાનું નક્કી થયું હતું. આ રૂટ ઉપર બેનરો પણ લગાવી દેવાયા હતા.
તેથી આ રેલીને શક્તિપ્રદર્શન તરીકે જોવાઇ રહી હતી. વરાછા વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ વતી ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારતા બેનર લગાવાયા હતા. દરમિયાન કાલે મોડીરાતે વરાછા, સરથાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારતા બેનરો ફાડી નખાયા હતા.
ઉપરાંત બેનરોમાં નીતિન પટેલ સિવાય અન્ય ભાજપના નેતાઓના ચહેરા પર કાળો કલર પણ મારી દેવાયો હતો. કેટલાક વિસ્તારમાં રેલીના રૂટ ઉપર રેલીંગની આડશ મુકી દેવામાં આવી હતી. તેથી રેલી દરમિયાન તોફાને કે કોઇક છમકલું થાય તેવી સ્થિતિ જણાતા છેલ્લી ઘડીએ રેલીને રદ કરી દેવામાં આવી હતી.
વધુમાં કોરોનાના કેસોને કારણે કન્ટેઇનમેન્ટ ઝોન એવા કતારગામમાં પણ રેલીનો રૂટ રખાયો હોવાથી વિવાદ પણ થયો હતો. ભાજપની રેલી રદ્દ થયાં બાદ કેટલીક ચર્ચા જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. તેમાં કેટલાક લોકોએ રેલી રદ્દ કરી સી.આર. પાટીલ વધુ માન ખાટી ગયાંનું કહી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ એવી પણ હતી કે, દિલ્હીથી રેલી રદ્દ કરવા માટે સુચના આવતાં રેલી રદ્દ કરવી પડી છે.
કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીશું : પ્રદેશ પ્રમુખ
રેલી રદ કરવા અંગે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભીડ વધુ થઇ ગઇ હોવાનું કારણ આપ્યું હતું. આગામી દિવસોમાં કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળીને વાતચિત અને ચર્ચા કરીશું.
સુરતના વાલક પાટિયા પાસે ડિસ્ટન્સના લીરા, નેતાઓએ ફોટોસેશન પણ કર્યું
કોવિડની ગાઇડલાઇનનો ભંગ ઉપરાંત કલમ-144નો ભંગ કરનારા સામે કાયદેસર કાર્યવાહીની લોકોની માંગ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શુક્રવાર
ભાજપ પ્રદેશ પ્રમુખના સુરત આગમન વેળા આવકારવા માટે વાલક પાટીયા પાસે એકત્ર થયેલા કાર્યકરો અને સમર્થકોએ ડિસ્ટન્સના લીરા ઉડાવ્યા હતા. ઘણા માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. ધારાસભ્યો, નેતાઓએ ફોટોસેશન પણ કરાવ્યું હતું.
પ્રદેેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા માટે યોજાયેલી રેલી છેલ્લી ઘડીએ રદ કરાઇ હતી. પણ તે પહેલા જ્યાં એક મોટો રથ પણ તૈયાર કરાયો હતો તે વાલક પાટીયા પાસે તેમને આવકારવાના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડી ગયો હતો. કોવિડની ગાઇડલાઇનના ભંગ સાથે પોલીસ કમિશ્નરે અમલી બનાવેલી કલમ-144નો પણ ભંગ થયેલો જોવા મળ્યો હતો.
ધારાસભ્યો અને નેતાઓએ નજીક નજીક ઉભા રહી ફોટોસેશન પણ કરાવ્યું હતું. કેટલાકે માસ્ક પણ પહેરેલા નહાતો અથવા તો દાઢી પર લગાવેલા હતા. કોવિડની ગાઇડલાઇનના ભંગ બદલ સામાન્ય લોકો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે ત્યારે આજે અહી જોવા મળેલા દ્રશ્યો બાદ નિયમ ભંગ અંગે કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ લોકો કરી રહ્યા છે.