આતંકી હુમલા બાદ ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણી સ્થગિત, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અસમંજસમાં
BJP News : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ વકર્યો છે. આ રાજકીય સ્થિતિને જોતાં ભાજપ હાઇકમાન્ડે રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણી સ્થગિત કરવા નક્કી કર્યુ છે. જેના પગલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકનો મુદ્દો પણ લટકી પડ્યો છે. હવે ક્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશે તે નક્કી નથી. આ સ્થિતિને પગલે મંત્રીમંડળના વિસ્તારની વાત પણ પૂર્ણવિરામ મૂકાયુ છે.
હાલ ગુજરાતમાં સરકાર-પક્ષમાં કોઇ ફેરફાર નહી, બધુ જૈસે થે
કાશ્મીરમાં આતંકી હુમલા પછી દિલ્હીમાં બેઠકોનો દોર યથાવત રહ્યો છે. દેશભરમાં પાકિસ્તાન વિરૂઘ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. મે મહિનામાં જ ભાજપે રાષ્ટ્રીય અઘ્યક્ષ નિમવા તૈયારીઓ આદરી હતી. આ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રદેશ પ્રમુખ નિમવા નક્કી કર્યુ હતું પણ પ્રવર્તમાન સ્થિતિને જોતાં ભાજપ હાઇકમાન્ડે અચાનક જ આ બધીય પ્રક્રિયા પર રોક લગાવી છે.
જે.પી. નડ્ડા જ હાઇકમાન્ડપદે યથાવત રહેશે. ગુજરાતમાં તો ઓબીસીને પ્રદેશ પ્રમુખ બનાવવાની ચર્ચા તેજ બની હતી. કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે દાવેદારોના નામો પણ વહેતાં થયા હતાં પણ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન હાલ તો સી.આર.પાટીલના હાથમાં જ રહેશે. છેલ્લાં છ મહિનાથી ચર્ચા ચાલી હતીકે, ગુજરાતમાં મંત્રીમંડળનો વિસ્તાર થશે. કોને મંત્રી બનાવાશે તે અંગે તરેહ તરેહની અટકળો પણ ચાલી હતી. પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં મંત્રીમંડળની વાત પર પૂર્ણવિરામ મૂકાયુ છે જેમની હકાલપટ્ટી થવાની નક્કી છે તે મંત્રીઓ હાલ પુરતો હાશકારો અનુભવ્યો છે જ્યારે જેઓ મંત્રી બનવા ઉતાવળાં થયાં છે તેમને હજુ રાહ જોવી પડે તેમ છે. અત્યારે બધાની નજર ભારત-પાકિસ્તાનની સરહદ પર મંડાઇ છે.
આજે અમદાવાદ સહિત અન્ય શહેરોના પ્રમુખોની જાહેરાત થશે
એક તરફ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદદો લટક્યો છે ત્યારે આવતીકાલે ભાજપ અમદાવાદ શહેર-જીલ્લા પ્રમુખના નામની જાહેરાત કરશે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, પોરબંદર અન વડોદરા શહેર-જીલ્લા પ્રમુખોના નામની પણ સાાવાર જાહેરાત કરશે. ભાજપની નિરીક્ષકોને બંધ કવર સાથે જે તે સ્થળે મોકલીને નામની જાહેરાત કરાશે.