Get The App

સુરત પાલિકાની શાળાના બાળકોને અપાયેલી નોટબુકના કવર પેજ પર ભાજપના નેતાઓના ફોટાથી વિવાદ

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની શાળાના બાળકોને અપાયેલી નોટબુકના કવર પેજ પર ભાજપના નેતાઓના ફોટાથી વિવાદ 1 - image


Surat News : સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સરદાર પટેલ, ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ કે વિવેકાનંદ નહી, પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલના ફોટોગ્રાફ છે. વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટોવાળી નોટબુક સાથે વિરોધ કરતાં કહ્યું હતું કે, 'આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે?' આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને જણાબ આપ્યો હતો કે, 'અમારા પ્રેરણા સ્ત્રોત છે, બીજેપીની સત્તા છે. વિપક્ષ કહે તેમ નહીં ચાલે, અમે કહીએ તે થશે.'

ભાજપના નેતાના ફોટો વાળી નોટબુક વિદ્યાર્થીને વિતરણ કરાઈ 

સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક હવે રાજકીય ચર્ચાનો વિષય બની છે. આ મામલે વિપક્ષના નેતાઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને શાસકો પર શિક્ષણમાં રાજકારણ ઘુસેડવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં સમિતિના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી બુક લઈ વિપક્ષના રાકેશ હીરપરા આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક પર દેશના મહાનુભાવોના ફોટોની જગ્યાએ ભાજપના નેતાઓના ફોટો લગાવાને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે, 'આ નેતાઓ ભલે તમારા પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ તેઓનું શિક્ષણમાં કોઈ યોગદાન નથી. ખરેખર જો શિક્ષણની વાત હોય તો ગુજરાતના શિક્ષણ મંત્રીના ફોટા હોવા જોઈએ અથવા ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના ફોટા હોવા જોઈએ.' 

આ પણ વાંચો: VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો જામ

આ મુદ્દે શાસકો જવાબ આપી શક્યા ન હતા અને આક્રમક થઈ ગયા હતા. વિપક્ષના સવાલ સામે શાસકોએ કહ્યું કે, 'બીજેપીની સત્તા છે, વિપક્ષ કહેશે તેમ નહીં ચાલે. અમે કહીશું તે થશે.' જ્યારે વિપક્ષે આ આખી ઘટનાને શિક્ષણમાં ઘૂસાડતા રાજકીય પ્રભાવ ગણાવ્યો છે અને જાહેર રીતે નોટબુકના કવરપેજમાંથી રાજકીય નેતાઓના ફોટો યોગ્ય ન હોવાની વાત કરી હતી. 

Tags :