VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો જામ
Bhuj News : રાજ્યમાં કચ્છની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. કચ્છના અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે બહુજન આર્મી દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી પોતાના હાથમાં બેનરો રાખી અને અનેક લોકો દ્વારા નલિયા-ભુજ હાઈવે પર એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. શિક્ષકોના અભાવે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડતી છે. બહુજન આર્મીએ એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે, જો શિક્ષકોની ઘટ મામલે ઉકેલ નહી લાવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન
મળતી માહિતી મુજબ, કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછત હોવાને લઈને બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ, અનેક વિદ્યાર્થીઓ અને વાલી સહિતના લોકોએ નલિયા-ભુજ હાઇવે પર વિરોધ નોંધાવ્યો હતો. ધુઆએ જણાવ્યું હતું કે, 'અબડાસાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 600 શિક્ષકો નથી. રાજ્યની તિજોરીમાં સૌથી વધુ ફાળો કચ્છ પ્રાંત આપે છે અને દેશના પોણા ભાગના મીઠાનું ઉત્પાદન કચ્છથી થાય છે. જ્યારે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતથી બાળકો વંચિત છે.'
બાળકો-વાલીઓ સહિતના લોકોએ શિક્ષકોની ઘટ મામલે નિરાકરણ લાવવાને લઈને ભુજ હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન અનેક બાળકોના હાથમાં 'માંગવાથી વોટ મળે, શિક્ષકો માટે આંદોલન કરવુ પડે', 'શિક્ષકોની ભરતી કરો વરના કુરસી ખાલી કરો', 'તમારુ રાજકારણ તમને મુબારક અમને શિક્ષકો આપો' સહિતના બેનરો રાખીને શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી.