વિરમગામ ભાજપમાં આંતરિક ડખા! હાર્દિક પટેલના નિવેદન પર નારાજ ભાજપ નેતાએ કહ્યું- 'અમે 38 વર્ષથી પાર્ટીમાં છીએ'
Internal conflict in Viramgam BJP : અમદાવાદના વિરમગામ ભાજપમાં આંતરિક ડખા ઊભા થયા હોવાનું સામે આવ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બીજી તરફ, થોડા સમય પહેલા હાર્દિકે સ્થાનિક કોર્પોરેટરોથી નારાજગી વ્યક્ત કરી હતી અને જાહેર મંચ પરથી આ બાબતે ટિપ્પણીઓ કરી હતી. સમગ્ર મામલે ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે હાર્દિક પટેલ પર નિશાનો સાધતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે.
હર્ષદ ઠક્કરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'બધા કોર્પોરેટર ખરાબ હોતા નથી અને અમે આજના ભાજપમાં નથી, પરંતુ 38 વર્ષથી છીએ.' જ્યારે ટાવર લાઈબ્રેરીના ઉદ્ઘાટન વખતે સ્થાનિક કોર્પોરેટરની ગેરહાજરીને લઈને હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, 'ગામમાં વિકાસ ન થાય તો તમામ અંદરો-અંદર ઝઘડવાનું નક્કી કરી લીધું છે.' જોકે, આ પછી વિરમગામ ભાજપમાં આંતરિક ડખા ઊભા થયા છે.
વિરમગામમાં ગટર ઉભરાવવાના ઘટનાને લઈને હાર્દિક પટેલની ટિપ્પણી બાદ હર્ષદ ઠક્કરે જણાવ્યું હતું કે, 'અમારા માટે પક્ષ મહાન છે વ્યક્તિ નહીં. જ્યારે કોઈ કાઉનસરે જાતે ગટર ઉભરાવી નથી, આ પ્રકારની વાત કરવી એ યોગ્ય નથી. '