વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ
Hardik Patel On Viramgam Problem : અમદાવાદના વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાર્દિકે પોતાના મત વિસ્તારની સમસ્યા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં જો સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો હાર્દિકે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જાણો ધારાસભ્યે પોતાના મતવિસ્તારની સમસ્યાને લઈને સરકાર પાસે શું કરી માગ.
વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ!
વિરમગામમાં પ્રાથમિક સુવિધાને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હાર્દિકે પત્રમાં લખ્યું કે, 'વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.'
પત્રમાં હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, 'વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનું છું. પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ, ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી. મારે લોકો સાથે ઊભું રહેવું પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો પણ કરીશું.'