Get The App

ભાજપના નેતા જે.જે. મેવાડા અને તેમના પરિવારની 131 મિલકત અપ્રમાણસર, કોર્ટમાં સોંગદનામુ દાખલ

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપના નેતા જે.જે. મેવાડા અને તેમના પરિવારની 131 મિલકત અપ્રમાણસર, કોર્ટમાં સોંગદનામુ દાખલ 1 - image

Image: IANS


BJP Leader J J Mewada Corruption Case: આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા અને નિવૃત ડીવાયએસપી જે.જે. મેવાડા અને તેમના પરિવારજનોના નામે 300 કરોડની પરંતુ હાલની જંત્રી મુજબ 1700 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2022માં ગાંધીનગર એસીબી અને મોડાસા સેશન્સ કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મોડાસા કોર્ટે ફરિયાદીએ રજૂ કરેલા સોગંદનામામાં જે. જે મેવાડા અને તેમના પરિવારજનોએ 5 જિલ્લાના 7 તાલુકા અને 18 ગામોની કુલ 131 મિલકત અને એક મર્સિડીઝ ગાડી વસાવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

પાંચ જિલ્લાના સાત તાલુકાના 18 ગામોમાં મિલકતો અને મર્સિડીઝ ગાડી

સાબરકાંઠાના વતની અને અમદાવાદ ખાતે વસવાટ કરતા અને પોલીસ સબ ઇન્સ્પેકટરથી લઈને ડીવાયએસપીની ફરજ દરમિયાન જે. જે. મેવાડાએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પહેલી ફરિયાદ વર્ષ 2014માં દાખલ કરાઈ હતી. ત્યાર બાદ અપ્રમાણસર મિલકતના કેસમાં ઘેરાતા અધિકારી નોકરીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

આ પણ વાંચોઃ વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ

2022માં બીજી ફરિયાદ

વર્ષ 2022 ગાંધીનગર કલોલના વિરલગીરીએ સેશન્સ કોર્ટ સમક્ષ જે. જે. મેવાડા અને તેમના પરિવારજનોના નામે કરોડો રૂપિયાની મિલકતો હોવાની બીજી એક ફરિયાદ નોંધાવી હતી. આ નિવૃત્ત અધિકારી જે. જે મેવાડાએ અંદાજિત 300 કરોડની કિંમતની મિલકતો વસાવી હોવાનો આરોપ હતો. આ મિલકતોની હાલની જંત્રી મુજબ, અંદાજે 1700 કરોડની મિલકત ખુલી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. આ પ્રકરણમાં 25 ઓગસ્ટે અરવલ્લી જિલ્લાના બીજા એડિશનલ સેશન્સ કોર્ટે ફરિયાદીને તમામ આક્ષેપો તથા ટાંચમાં લેતા મિલકતોના વર્ણન બાબતે સોગંદનામા ઉપર જાહેર કરવા હુકમ કર્યો હતો. 28 ઓગસ્ટે કોર્ટ મુદ્દતમાં ફરિયાદી વિરલગીરીએ કોર્ટ સામે 13 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. 

આ સોંગદનામામાં અનુસાર, આરોપી અને તેના પુત્ર, પત્ની, બે પુત્રી અને પૌત્ર સહિતના પરિવારજનોને નામે 5 જિલ્લાના 7 તાલુકાના 18 ગામોમાં કુલ 131 મિલક્તો અને મર્સિડીઝ ગાડી હોવાનું છે. હવે કોર્ટ દ્વારા તેના અગાઉના હુકમ મુજબ આરોપીઓને આ મિલક્તો શા માટે જપ્ત ન કરવી તે બાબતે કારણ જણાવો નોટિસ આપવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે થશે.

આ પણ વાંચોઃ તલસટ ગામના સરપંચને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : ચાર આરોપી સામે ગુનો દાખલ

અપ્રમાણસર મિલકતોની ફરિયાદથી મેવાડાએ આપ બાદ ભાજપનો સાથે મેળવ્યો 

નિવૃત્ત ડીવાયએસપી જયંતિલાલ જે. મેવાડાએ પોતાની સામે ઊભી થયેલી અપ્રમાણસર મિલક્તોની ફરિયાદને પગલે વર્ષ 2014માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. ખાખી છોડી ખાદી અપનાવાર અગ્રણીએ આમ આદમી પાર્ટીનો સાથ લઈને વર્ષ 2014 લોકસભા અને વર્ષ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું. પરંતુ, પોતાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપોના વધતા જતા ગાળીયાથી છૂટવા આપ નેતા વર્ષ 2024ના એપ્રિલમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. પરંતુ આ નિવૃત્ત પોલીસ અધિકારી અને રાજકીય નેતા સામે વર્ષ 2014 અને વર્ષ 2022માં થયેલી ફરિયાદો છતાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો તપાસ બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી હાથ ધરી શકયું નથી.

સોગંદનામામાં દર્શાવેલી મિલકતો 

  • અરવલ્લી જિલ્લો : બાયડના જોધપુર ગામે 10 અને અમીયાપુર ગામે 25 મિલક્તો.
  • સાબરકાંઠા જિલ્લો : તલોદના મોહનપુરામાં 27 મિલક્ત.
  • ગાંધીનગર જિલ્લો : વલાદમાં 33, સરગાસણમાં - 01, પીરોજપુરમાં- 01, નભોઈમાં - 01, અડાલજમાં- 01 મિલક્તો.
  • ખેડા જિલ્લો : કપડવંજના રામપુરમાં -૦7 મિલકત.
  • અમદાવાદ જિલ્લો : અસારવાના નિકોલ-નરોડામાં 2 મિલકત, બાવળાના દહેગામડામાં- 13, લગદાણામાં- 01,સૈજપુરબોધાના નરોડામાં- 01 મિલક્ત.
  • મર્સિડીઝ ગાડી જીએલસી જીજે.18: 01