વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ
Vadodara Ajwa Lake : વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે સરોવરની સપાટીમાં વધારો શરૂ થયો છે. આજે બપોરે આજવા સરોવરની સપાટી 211.46 ફૂટ હતી.
આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 97 મીમી વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 966 મીમી થયો છે. જ્યારે ધનસરવાવમાં 49 મીમી વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 1188 મીમી નોંધાયો છે. આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડર 0.56 મીટરએ ચાલુ છે, એટલે હજી આજવામાં સપાટી વધશે. આજવા સરોવરની સપાટી 31 ઓગસ્ટ સુધી 212 ફૂટ સુધી જાળવી શકાશે. 1 સપ્ટેમ્બર પછી સપાટી 212.50 ફૂટ સુધી રાખવામાં આવશે. આમ તો આજવામાં 214 ફૂટ સુધી પાણી ભરી શકાય છે. હાલોલમાં પણ બે કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હાલોલનું પાણી પ્રતાપપુરા સરોવરમાં ડાયવર્ટ થઈને વિશ્વામિત્રી નદીમાં જાય છે. પ્રતાપપુરા સરોવરમાં આજે બપોરે લેવલ 226.80 ફૂટ હતું. પ્રતાપપુરામાંથી પાણીની આવક ચાલુ હોવાથી નદીની સપાટી હજી વધારે નોંધાશે. આજે બપોરે નદીની સપાટી 8.30 મીટર થઈ હતી.