ભાજપના પૂર્વ MLA ખાખી સામે મેદાને, કહ્યું - દારૂબંધી કાગળ પર, અડ્ડા બંધ કરાવો નહીંતર...
AI IMAGE |
Liquor ban on paper: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. યુવાપેઢી દારૂના દૂષણનો શિકાર બની છે ત્યારે ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જ ‘ખાખી’ સામે મોરચો માંડ્યો છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ટિ્વટ કર્યું છેકે, પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવે નહીતર હું જાતે રેડ પાડીશ.
કેસરીસિંહનો આરોપ : બુટલેગરો આરોપીને છોડાવી જાય છે, પોલીસ નામ પૂરતો ગુનો નોંધે છે
એક તરફ, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે. દારૂ વેચનારાઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જ પોલીસ સામે બાંયો ચડાવી છે. તેમનું કહેવુ છેકે, માતર વિસ્તારમાં દારૂનું દૂષણ વકર્યુ છે. યુવાઓ દારૂના બંધાણી બન્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં
કેસરીસિંહ સોલંકીએ ટિ્વટ કરી પોલીસને અલ્ટીમેટમ આપ્યુ છેકે, લિંબાસીમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. દસ દિવસમાં દારૂના અડ્ડા બંધ કરાવો નહીતર હુ જાતે અડ્ડા પર જઇને રેડ પાડીશ. તેમણે ખાખી પર એવો ય આક્ષેપ કર્યો છેકે, દારૂના ધંધાર્થીઓ પકડાય તો બુટલેગરો જ છોડાવી જાય છે. પોલીસ તો માત્ર નામ પુરતો ગુનો નોંધે છે અને પછી છોડી પણ દે છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોલીસ સામે આંગળી ચિંધી છે. એટલુ જ નહીં, દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે તે માટે પોલીસને જવાબદાર ઠેરવ્યાં છે. ધારાસભ્યની ચિમકીને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છેકે, જવાહર ચાવડાની જેમ કેસરીસિંહ સોલકી પણ ઘણાં વખતથી ભાજપથી નારાજ છે. હવે ભાજપના જ નારાજ નેતાઓ સરકાર અને પક્ષને ઘેરી રહ્યાં છે જેનાથી પ્રદેશ નેતાગીરી પણ ચિતિત બની છે.