બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો 'ડબલ સ્ટ્રોક', ગેનીબહેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના

North Gujarat Politics: ગુજરાતના નવા મંત્રીમંડળની રચનામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા બનાસકાંઠા અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરનું વધેલું વર્ચસ્વ ઘટાડવા અને બંને જિલ્લાઓમાં ભાજપનો પાયો મજબૂત કરવાના સ્પષ્ટ ઇરાદા સાથે બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાને વિશેષ મહત્ત્વ, બે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ
ગુજરાત સરકારના 26 મંત્રીઓના નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા અને તાજેતરમાં જ વિસર્જન બાદ બનેલા વાવ-થરાદ જિલ્લાને વિશેષ મહત્ત્વ મળ્યું છે. આ બંને જિલ્લામાંથી બે યુવા ધારાસભ્યોને મંત્રીપદ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રવીણ માળીને મળી વાહનવ્યવહાર, જળસંપત્તિ અને કલાયમેટ ચેન્જ
તેઓ બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય છે. પ્રવીણ માળીએ તેમના રાજકીય જીવનની શરુઆત પાલિકાના કોર્પોરેટર તરીકે કરી હતી. તેઓ સ્વર્ગીય ગોરધનભાઈ માળીના અવસાન બાદ ભાજપમાં સશક્ત ભૂમિકા ભજવતા હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિસ્તારના ખેત તલાવડી, કૂવા રિચાર્જ અને ભૂગર્ભ જળ બચાવ માટે અનેક પ્રયત્નો કર્યા છે. તેમને વાહનવ્યવહાર, જળસંપત્તિ અને કલાયમેટ ચેન્જ જેવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો
વાવ-થરાદ જિલ્લામાંથી વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર સ્વરૂપજી ઠાકોરને 2022માં પ્રથમવાર ટિકિટ મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં 2024માં પેટા ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. યુવા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો
ગેનીબહેનના વર્ચસ્વને પડકારવા રાજકીય દાવ
બનાસકાંઠા જિલ્લામાં રાજકીય સમીકરણો હંમેશાં સંઘર્ષપૂર્ણ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત રહી છે, જ્યાં 2017 અને 2022માં ગેનીબહેન ઠાકોરે જીત મેળવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ઐતિહાસિક વિજય મેળવીને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું અને બનાસકાંઠામાં પોતાનું કદ ખૂબ મોટું કર્યું હતું.
ભાજપનો વળતો પ્રહાર
ગેનીબહેનના રાજીનામાથી ખાલી પડેલી વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને જીતાડીને બેઠક કબજે કરી હતી. હવે સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેઓ આ ઠાકોર પ્રભુત્વવાળી બેઠક પર પોતાનો કાયમી દબદબો જાળવી રાખવા માંગે છે. આ નિર્ણય ઠાકોર સમાજને સીધો સંદેશ આપે છે કે હવે તેમનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં છે.
ગેનીબહેનનું વર્ચસ્વ ઘટાડવાની ભાજપની વ્યૂહરચના
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને પણ મંત્રીમંડળમાં સ્થાન આપીને, ભાજપે માત્ર વાવ-થરાદ જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંગઠન અને અનુભવને મહત્ત્વ આપીને ગેનીબહેન ઠાકોરના વધતાં વર્ચસ્વને ઘટાડવાની મજબૂત વ્યૂહરચના ઘડી છે. આ મંત્રીપદથી બંને વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે અને આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
તો બીજી તરફ જૂના મંત્રીમંડળના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પણ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો જેવા મહત્ત્વના વિભાગો આપીને યથાવત્ રાખવામાં આવ્યા છે, જે ઉત્તર ગુજરાતના યુવા નેતૃત્વને મહત્ત્વ આપવાની ભાજપની નીતિ દર્શાવે છે.