વડોદરાના પાદરામાં ઢાઢર નદીમાં 4 લોકો ડૂબ્યાં, બેનો બચાવ, બે હજુ ગુમ, રાતભર રેસ્ક્યૂ ચાલ્યું
Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટણા ગામે અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. કરજણના વિરજઈથી કોટણા ગામને જોડતા કોઝવે પરથી પસાર થઈ રહેલી બાઈક અચાનક સ્લીપ થઈને ઢાઢર–વિશ્વામિત્રી નદીના પાણીના વહેણમાં ખાબકી હતી. બાઈકમાં સવાર માતા-પિતાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમના બે માસૂમ બાળકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયા છે. ફાયર વિભાગની ટીમોએ બાળકોની શોધખોળ હાથ ધરી છે.
પિયરથી પરત આવતા દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, કોટણા ગામના રહેવાસી હિતેશ પઢીયાર તેમની પત્ની વૈશાલીબેન અને બે સંતાનો 5 વર્ષીય દેવેન્દ્ર અને ત્રણ વર્ષીય સોહમને લઈને વાઘોડિયા તાલુકાના અલ્વા ગામથી બાઈક પર કોટણા પરત આવી રહ્યા હતાં. વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ હતો. આ પ્રવાહમાં બાઇક અચાનક સ્લીપ થઈ જતાં આખો પરિવાર નદીના પાણીના વહેણમાં તણાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ કોટણા ગામના માજી સરપંચ રાજુ પઢીયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને હિતેશ અને વૈશાલીબેનને બહાર કાઢી લીધા હતા. જોકે, તેમના બંને બાળકો પાણીના તેજ વહેણમાં તણાઈ જતાં ગુમ થઈ ગયા છે.
ફાયર બ્રિગેડની શોધખોળ ચાલુ
ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ તેમજ કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ગુમ બાળકોની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિકોએ પ્રશાસનને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મગરનો ઉપદ્રવ પણ છે, જેના કારણે બચાવ કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ ચોમાસા દરમિયાન કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.