Junagadh News: જૂનાગઢમાં બ્યુટીફિકેશન પામેલા નરસિંહ મહેતા સરોવરનું બુધવારે (28મી જાન્યુઆરી) મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે સરોવરની મુલાકાત લીધી ત્યારે મનપાના શાસકોએ હજુ 8 કરોડ રૂપિયા ઘટતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત હોકર્સ ઝોનનું હજુ કામ બાકી છે છતાં પણ તેનું મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવી નાખ્યું છે. મુખ્યમંત્રીએ શહેરની સ્વચ્છતા અંગે ટકોર કરવી પડી હતી.
લોકાર્પણ બાદ સરોવર બાકીનાં કામ તથા પ્રવેશ ફી મુદ્દે બંધ રહે તેવી શક્યતા
છેલ્લા ત્રણેક વર્ષથી નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું હતું. 60 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થવાની હતી, પરંતુ તેમાં વધારાના 8 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરી 68 કરોડ રૂપિયા સુધી કામ પહોંચ્યું છે. બ્યુટીફિકેશનની કામગીરીમાં અનેક ક્ષતિઓ અને ગોટાળા બહાર આવ્યા છે તેવા સરોવરને હવે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ બુધવારે આ સરોવર શહેરીજનો માટે ખૂલ્લું રાખવામાં આવ્યા બાદ બાકીની કામગીરી માટે તથા ટિકિટના દર નક્કી કરવા સહિતના મુદ્દે સરોવરને ફરી બંધ રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી પાસે અનેક અધુરા કામનું લોકાર્પણ કરાવી નાખ્યું હોવાની પણ રાજકીય ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
ખુદ મુખ્યમંત્રીએ જ તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, 'નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં હજુ 7-8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઘટે છે તેવી શાસકોએ રજૂઆત કરી છે, તુરંત જ ઘટતી ગ્રાન્ટના પ્લાન એસ્ટીમેટ બનાવી ગાંધીનગર મોકલો, અમે તેને મંજૂરી આપી દઈશું.' તેવી જ રીતે મધુરમ વિસ્તારમાં લારીધારકો તથા ફેરીયાઓ માટે હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે, તેની પણ 8-10 દિવસમાં લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે, જેથી હજુ હોકર્સ ઝોન અને નરસિંહ મહેતા સરોવરનું કામ બાકી હોવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્લાના કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે.
નામ કમી કરવા મુદ્દે વ્યથિત પદ્મશ્રીનું ભરી સભામાં સન્માન કર્યું
પદ્મશ્રી હાજી રમકડુંને સ્ટેજ સ્થાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ હાજી રમકડુંને પદ્મશ્રી મળવા બદલ તેમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હજુ ગઈકાલે જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા મુદ્દે ભાજપના જ નગરસેવકે અરજી કરી હોવાનો વિવાદ થયો હતો. હવે તે જ પદ્મશ્રીનું સન્માન કરવામાં આવતા ફરીવાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.
વિદ્યાર્થીઓ અને આંગણવાડી કાર્યકરોને ફરજિયાત હાજર રખાયા
મુખ્યમંત્રી વિસાવદર બાદ જૂનાગઢ આવી નરસિંહ મહેતા સરોવરે રૂબરૂ મુલાકાત લઈ કૃષિ યુનિવર્સિટી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ તથા આંગણવાડી તથા અન્ય સરકારી વિભાગની મહિલાઓને ફરજિયાતપણે હાજર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સાસણ જવા રવાના થયા હતા.


