Get The App

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા 1 - image


Bhuj News : કચ્છના લખતપ, રાપર સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે. જ્યારે ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર, 2025) એક દિવસ માટે ભુજ શહેર પુરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. 

હમીરસર તળાવ છલકાયું

કચ્છ-ભુજના રાપર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી-પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ભુજ શહેર સ્થિત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે ભુતકાળની પ્રણાલિકા પ્રમાણે હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય ત્યારે ભુજ શહેર પુરતી એક દિવસની જાહેર રજા આપવામાં આવે છે. જેને લઈને કલેક્ટરે નોટિફિકેશન જાહેર કર્યુ છે. 

મળતી માહિતી મુજબ, હમીરસર તળાવ છલકાઈ છે, ત્યારે સ્થાનિકો ઢોલના તાલે વાજતે ગાજતે વરુણદેવની મેહરના વધામણાં કરવા જાય છે. આમ વધામણાં કરવાની પરંપરા રાજાશાહીથી ચાલી આવે છે. જેમાં આઝાદી પછી પાલિકા પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરવાની પ્રથા ઇ.સ. 1953 થી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. જ્યારે આજે (8 સપ્ટેમ્બર) સાંજે 6:30 વાગ્યે હમીરસર તળાવ છલકાયું છે, ત્યારે આવતીકાલે મંગળવારે ફક્ત ભુજ શહેરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ પુરતી સ્થાનિક રજા જાહેર આપવામાં આવી છે. 

આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કૉલેજો બંધ, જનજીવન ઠપ

હમીરસરના વધામણાંનો રોચક ઈતિહાસ

1953થી આજ દિન સુધી હમીરસર તળાવ 29 વખત છલકાયું છે. ઇતિહાસકાર જોરાવરસિંહ જાદવના 'ગુજરાતના લોકઉત્સવો' પુસ્તકના(પૃષ્ઠક્રમાંક 109) મુજબ, કચ્છ-ભુજમાં આવેલું હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય એટલે કચ્છીઓને ગોળનાં ગાડાં મળ્યાં, જેટલો આનંદ થાય છે અને હરખનાં વધામણાં કરવામાં આવે છે. જેમાં કચ્છીઓ એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરે છે. જ્યારે કચ્છની લોકરૂઢિ અનુસાર, હમીરસર તળાવ છલકાય એટલે કચ્છીઓ તેમના ઘરે 'મેઘલાડુ' બનાવે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ રાજવી પરિવાર દ્વારા નવા નીરને લાડુ અને નાળિયેર વહેતું મૂકીને વધાવવામાં આવતા હતા. 


Tags :