Ahmedabad News : અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં રેલવે ટ્રેક પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી અમદાવાદ આવી રહેલી ગાંધીગ્રામ ટ્રેનની અડફેટે આવી જતાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભાવનગરના યુવાનનું અમદાવાદમાં મોત
મૃતક યુવાનની ઓળખ સત્યમભાઈ નાનજીભાઈ ડાભી તરીકે થઈ છે, જે મૂળ ભાવનગર જિલ્લાના નેસડા ગામનો રહેવાસી હતો. સત્યમભાઈ કોઈ કારણસર અમદાવાદ આવ્યા હતા, જ્યાં મકરબા પાસે ટ્રેન નીચે આવી જતાં તેમનું મોત થયું હતું.
બનાવની જાણ થતા જ મકરબા 108 (EMRI)ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108ના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ યુવાનનું શરીર ગંભીર રીતે કચડાઈ ગયું હોવાથી તેને બચાવી શકાયો નહોતો.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે ટ્રેનની અડફેટે આવી ગયો છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ભાવનગરમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.


