ભાવનગરમાં મેઘતાંડવ: મધરાતે ત્રણ ગામોમાં 31 લોકોનો બચાવ, શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભાવનગરમાં તારાજી સર્જાઈ છે. આ જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ફરી વળતાં રસ્તા ધોવાઈ ગયા છે. આ સિવાય નદીઓમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. જો કે, અનેક ગામમાં નદી નાળાના પાણી ઘૂસી ગયા હતા, તેમજ અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા.
ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે.
સોમવારે મોડી રાત્રે ભાવનગરમાં વરસાદને કારણે સેંજળીયામાં 19 લોકો ફસાયા હતા. મોખડકામાં 11 તેમજ આકોલાળીમાં એક વ્યક્તિ ફસાયાની માહિતી મળી હતી. પાણીનો પ્રવાહ વધતાં કુલ 31 લોકો ફસાયા હતા. જિલ્લાની વિવિધ રેસક્યુ ટીમ દ્વારા આ લોકોને બચાવવામાં આવ્યા હતા.
તલગાજરડામાં ગઈકાલે 38 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા
આ સિવાય મોડી રાત્રે ભારે વરસાદને કારણે મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા હતાં. બપોરે આશરે 1:00 વાગ્યે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઇસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પૂરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ BIG BREAKING: ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ-2નું રેસ્ક્યૂ
મળતી માહિતી મુજબ, એક જ રાતમાં શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં જળસપાટીમાં 6 ફૂટનો વધારો થયો હતો. શેત્રુંજી ડેમમાં 95660 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 80 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની હાલની સપાટી 30.7 ફૂટે પહોંચી છે.









