ભાવનગરમાં રેડ દરમિયાન પીએસઆઇનું મોત, છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં બેભાન થયા હતા
SMC PSI Sachin Sharma Death: ભાવનગર પોલીસબેડા માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્માને રેડ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન થયા હતા. જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, PSI સચિન શર્મા પોતાની ટીમ સાથે ભાવનગરના સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડાની કાર્યવાહી માટે ગયા હતા. દરોડા દરમિયાન જ અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. સાથી પોલીસકર્મીઓ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો
આ ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ફરજ પર હતા ત્યારે જ એક યુવા અધિકારીના નિધનથી પોલીસ વિભાગમાં ગમગીની છવાઈ ગઈ છે.