ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો
Gandhinagar Road Accident: ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર સવાર એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ કારચાલક નશામાં હોવાનો દાવો કર્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ગાંધીનગરના સરગાસણ નજીક બની હતી. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે એક્ટિવા પર જઈ રહેલા આધેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા સવાર આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક દારૂના નશામાં ધૂત હતો અને તેણે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર નશામાં ડ્રાઇવિંગના ભયજનક પરિણામો સામે સવાલો ઉભા કર્યા છે.