- 130 થી વધુ ખેલાડીઓને પુરસ્કારની રકમ ન મળી હોવાથી નારાજગી ફેલાઇ હતી
- હેન્ડબોલ સહિતની રમતના ખેલાડીઓને પુરસ્કારની રકમ મળતા રાહત
ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે છે અને રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે પરંતુ આ મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, જે ગંભીર બાબત છે. ભાવનગર શહેર અને જિલ્લાના બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતના કેટલીક રમતના ૧૩૦ થી વધુ ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી ન હતી તેથી ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો અને આ બાબતે જિલ્લા રમત-ગમત અધિકારીને વારંવાર રજૂઆત પણ કરી હતી ત્યારે હવે હેન્ડબોલ સહિતની રમતના ઘણા ખેલાડીઓના બેંક ખાતામાં પુરસ્કારની રકમ જમા થઈ હોવાનું સુત્રોએ જણાવેલ છે.
ગત વર્ષના ખેલ મહાકુંભની રકમ એક વર્ષે ખેલાડીઓને મળી છે તેથી ખેલાડીઓમાં કચવાટ ફેલાયો હતો. આજે સોમવારે પુરસ્કારની રકમ મળતા ખેલાડીઓને હાશકારો થયો હતો. કેટલાક ખેલાડીઓના બેંક ખાતામાં હજુ રકમ જમા થઈ ન હોવાનુ પણ જાણવા મળેલ છે ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓએ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
ખેલ મહાકુંભમાં પુરસ્કારની રકમ ઝડપી મળે તેવુ આયોજન કરવુ જરૂરી
રાજ્ય સરકાર દ્વારા વર્ષે ખેલ મહાકુંભ કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ તત્કાલ મળતી નથી અને આ રકમ મળવામાં લાંબો વિલંબ થતો હોય છે. ખેલાડીઓને થોડા દિવસમાં જ પુરસ્કારની રકમ મળી જાય તેવુ આયોજન કરવુ જોઈએ તેમ ખેલાડીઓમાં અને વાલીઓમાં ચર્ચાય રહ્યુ છે.


