Get The App

અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમનો સેમી ફાઈનલમાં પ્રવેશ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમનો સેમી ફાઈનલમાં પ્રવેશ 1 - image


- ઈન્ડર ડિસ્ટ્રીક્ટ અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટની બે દિવસીય ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ 

- જુનાગઢ ડિસ્ટ્રીક્ટની ટીમ 190 રનમાં ઓલઆઉટ : ભાવનગરની ટીમનો પ્રથમ દાવની લીડથી વિજય, અર્જુન ભલાણીએ 4 અને પાર્થિવ કુંચાલાએ 3 વિકેટ ઝડપી 

ભાવનગર : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈન્ડર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે મંગળવારે બે દિવસીય કર્વાટર ફાઈનલ મેચમાં ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જુનાગઢ ડિસ્ટ્રીકટની ટીમ સામે પ્રથમ દાવની લીડથી વિજય મેળવી સેમી ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે, જયારે જુનાગઢની ટીમનો પરાજય થતા ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.  

ભાવનગર શહેરના ભરૂચા કલબના મેદાન ખાતે ગઈકાલે સોમવારે ઈન્ડર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે દિવસીય કર્વાટર ફાઈનલ મેચનો પ્રારંભ થયો હતો. ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમે પ્રથમ બેટીંગ કરી ૭૩.૪ ઓવરમાં ર૦પ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ જુનાગઢની ટીમે બેટીંગ કરી લક્ષનો પીછો કરતા દિવસના અંતે રપ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી પ૪ રન નોંધાવ્યા હતાં. આજે મંગળવારે સવારે જુનાગઢની ટીમ ફરી બેટીંગ આવી હતી અને રમત આગળ વધારી હતી. જુનાગઢની ટીમ ૮૬ ઓવરમાં ૧૯૦ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી અને દિવસ પૂર્ણ થઈ ગયો હતો તેથી ભાવનગર ડિસ્ટ્રીકટ ટીમનો પ્રથમ દાવની લીડથી વિજય થયો હતો, જેમાં જુનાગઢના ખેલાડી જલ સદરાણીએ પ૪, નિલય વસને અણનમ ૪પ અને રૂત્વ બુટાણીએ ૩પ રન ફટકાર્યા હતા, જયારે ભાવનગરની ટીમના બોલર અર્જુન ભલાણીએ આક્રમક બોલીંગ નાખી ૪ અને પાર્થિવ કુંચાલાએ ૩ વિકેટ ઝડપી હતી. 

ઈન્ડર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની કર્વાટર મેચ જીતવા બંને ટીમના ખેલાડીઓએ જોર લગાવ્યુ હતુ, જેમાં ભાવનગરની ટીમે વિજય મેળવી સેમી ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો હતો તેથી ખેલાડીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી, જયારે જુનાગઢની ટીમનો પરાજય થતા ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી અને ખેલાડીઓમાં નિરાશા ફરી વળી હતી.  

2 જાન્યુઆરીથી 2 દિવસીય સેમી ફાઈનલ મેચનો પ્રારંભ થશે 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈન્ડર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમના ખેલાડીઓએ સુંદર રમત રમી સેમી ફાઈનલ મેચમાં પ્રવેશ મેળવ્યો છે. બે દિવસીય સેમી ફાઈનલ મેચ આગામી તા. ર અને તા. ૩ જાન્યુઆરીએ રમાશે. રાજકોટ અને કચ્છની ટીમ વચ્ચે આગામી દિવસોમાં બે દિવસીય કર્વાટર ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં જે ટીમ વિજેતા થશે તે ટીમ ભાવનગરની ટીમ સામે સેમી ફાઈનલ મેચ રમશે.  


Google NewsGoogle News