રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિ.મી. લાંબી નવી રેલવેલાઈન બનશે
Bhavnagar-Dholera Rail Line Approved: ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી રેલવે લાઈનને મંજૂરી મળી છે. આ નિર્ણયથી સરકારના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે. નોંધનીય છે કે, ભાવનગર-ધોલેરા રેલવે લાઈન સારી કનેક્ટિવિટી, લોજીસ્ટિક ક્ષમતા, આર્થિક વિકાસ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. ભાવનગરમાં મોટુ પોર્ટ આકાર લેવાનું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે અને ધોલેરામાં નવા ઉદ્યોગો આવવાના છે, તેથી ઉદ્યોગોના માલ આયાત-નિકાસ માટે ભાવનગર બંદરની જરૂર પડશે અને તેના માટે રેલવે લાઇન હોવી જરૂરી છે.
ધોલેરામાં વિવિધ કંપનીઓની સ્થાપના કરવા સાથે સરકાર દ્વારા ઍરપોર્ટ અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદથી ધોલેરા વચ્ચે રેલવે લાઇનની કનેક્ટિવિટી ઊભી કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરાયું છે. હવે ધોલેરા-ભાવનગર પ્રોજેક્ટને પણ ઝડપી મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તારને રેલવે કનેક્ટિવીટી મળતા ગુડ્સનું ટ્રાન્સ્પોર્ટેશન સસ્તુ અને ઝડપી થશે. નવી રેલવે લાઈનથી પેસેન્જરો સરળતાથી સુરક્ષિત અને ઝડપી પરિવહન સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર તેમજ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર સાથે કનેક્ટિવિટી થતા પશ્ચિમી ક્ષેત્રમાં ધોલેરાની લોજીસ્ટિક ભૂમિકામાં વધારો થશે.