ભાવનગર: લગ્નના દિવસે જ ભાવિ પત્નીને પાઇપ મારી મોતને ઘાટ ઉતારનારો હત્યારો ઝડપાયો

Bhavnagar News: ભાવનગરમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના દિવસે યુવતીને લોખંડની પાઇપના ઘા ઝીંકીને ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ભાવિ પત્નીની હત્યા કરીને નાસી છૂટેલો કથિત વરરાજા સાજન બારૈયા પોલીસના સકંજામાં આવી ગયો છે.
પાનેતર અને રૂપિયાની બાબતે બોલાચાલી
ભાવનગરમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમત રાઠોડની પુત્રી સોનીબેનની શનિવારે (15મી નવેમ્બર) સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને લોખંડનાીપાઇપના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આજે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો.
આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ પાનેતર અને રૂપિયાની બાબતે થયેલી બોલાચાલી હતી. સામાન્ય ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આવેશમાં આવેલા સાજને સોનીબેન પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: ફોરેસ્ટ ઓફિસરના પત્ની, પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક ચકચાર
હાલ પોલીસે આરોપી સાજન બારૈયાને પકડી પાડીને હત્યા પાછળના ચોક્કસ કારણો, હત્યાની રીત અને તે ક્યાં છુપાયો હતો તે સહિતના તમામ પાસાઓની વધુ કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે. નોંધનીય છે કે, લગ્નના પવિત્ર સંબંધમાં બંધાતા પહેલા જ ભાવિ પતિ દ્વારા ભાવિ પત્નીની હત્યાની આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે.

