ફોરેસ્ટ ઓફિસરના પત્ની, પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક ચકચાર

- અધિકારીએ પત્ની અને બાળકો ગુમ થયાની પોલીસમાં અરજી આપ્યાના સાત દિવસ બાદ
- ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકો સુરતથી વેકેશન ગાળવા ભાવનગર આવ્યા હતા, સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયાની જાણ કરાઈ હતી
ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે હત્યાના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો હતો.સુરતના વતની અને હાલ શહેરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનો પરિવાર એટલે કે,પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા ( ઉ.વ. ૪૦ ) અને પુત્રી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા ( ઉ.વ.૧૩ ) અને ભવ્ય શૈલેષભાઈ ખાંભલા ( ઉ.વ.૯ ) ત્રણેય સુરતથી વેકેશન ગાળવા માટે ભાવનગર આવ્યા હતા.દરમિયાનમાં ગત તા ૫ નવેમ્બરના રોજ પોતાના મૂળ વતન સુરત જવા માટે નિકળ્યા હતા. પરંતુ ગત ૭ નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા છે તેવી અરજી ભરતનગર પોલીસ મથકમાં આપી હતી.અરજીના દસ દિવસ સુધી પોલીસ તંત્ર ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકોની શોધખોળ કરી રહી હતી.તેવામાં દસ દિવસ બાદ પોલીસને એક લીડ મળી હતી.અને ફોરેસ્ટ કોલોનીમાં આવેલી અવાવરૂ જગ્યામાંથી આસપાસના વિસ્તારોમાં બદબૂ ફેલાઈ રહી હતી.ત્યાર બાદ પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું અને ડોગસ્કવોડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.અને અવાવરૂ જગ્યામાં સર્ચ કરી જગ્યા લોકેટ કરી હતી.અને જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું.જમીન ખોદતાની સાથેજ એક પછી એક ત્રણ મૃતદેહ મળી આવતા પોલીસે પણ ચોંકી ઉઠી હતી.આ મળી આવેલા ત્રણેય મૃતદેહ વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને પુત્ર તેમજ પુત્રીના હતા.પોલીસે ત્રણેય મૃતદેહને કબ્જે લઈ ભાવનગર સર ટી હોસ્પિટલમાં પેનલ પી.એમ. માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.જો કે,હત્યારો, હત્યા કરવાનું કારણ અને કેટલા લોકો સંડોવાયેલા છે.તે અંગે પોલીસની ટીમો ઝીણવટભરી તપાસ ચલાવી રહી હોવાનું એસ.પી.એ જણાવ્યું હતું આ બનાવ સંદર્ભે રવિવારે મોડી સાંજ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.
3 દિવસ પૂર્વે ફોરેસ્ટ અધિકારી પોલીસ મથકમાં પૃચ્છા કરવા ગયો હતો
ફોરેસ્ટ અધિકારી પત્ની અને બાળકોની ગુમ થયાની અરજી આપ્યા બાદ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા ત્રણ દિવસ પૂર્વે ભરતનગર પોલીસ મથકમાં અરજીની તપાસ ક્યાં સુધી પહોંચી અને પત્ની અને બાળકોની ભાળી મળી છે કે કેમ તેની પૃચ્છા કરવા માટે ગયો હતો.અને ફોરેસ્ટ અધિકારી શૈલેષએ ભરતનગર પોલીસને કહ્યું હતું. કે મારે સુરત કામ છે. સુરત જવું છે.ત્યારે ભરતનગર પોલીસે સુરત જવાની પરમિશન પણ આપી દીધી હતી.અને ઘોડા છૂટયા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ફોરેસ્ટ અધિકારી શૈલેષને લેવા માટે સુરત રવાના થઈ છે.તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ફોરેસ્ટ ઓફિસર શંકાના પરિઘમાં - એસપી
ચોંકાવનારા કિસ્સાની વિગત આપતા એસ.પી.એ જણાવ્યું હતું કે, પ્રથમ મૃતદેહનો પેનલ પીએમ કરાવવામાં આવનાર છે તેની સાથો સાથ હત્યા કરનાર અને હત્યાના કારણ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તદુપરાંત વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફોરેસ્ટ અધિકારી હાલ શંકાના ડાયરામાં તો છે. જ પરંતુ તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે. તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અને સંપૂર્ણ તપાસ બાદ તથ્ય સુધી પહોંચી શકશે

