શ્રાવણ માસમાં શિવપૂજનનું મહત્ત્વ: દેવાધિદેવ મહાદેવને જળ અભિષેકનો મહિમા
Shiv Puja In Shravan : આજે 25 જુલાઈથી શિવભક્તો માટે અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ આખો મહિનો ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા-અર્ચના કરતા હોય છે, જેમાં શિવલિંગ પૂજન અને જળ અભિષેકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠીયાએ શ્રાવણ માસમાં શિવપૂજનના આ ગહન રહસ્ય અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે.
શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે, અને તેઓ તેમના ભક્તો પર ત્વરિત પ્રસન્ન થવા માટે જાણીતા છે. શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા પાછળ એક પૌરાણિક કથા રહેલી છે, જે શિવની કરુણા અને શાંતિનો સંદેશ આપે છે.
સમુદ્ર મંથન અને શિવનું નીલકંઠ સ્વરૂપ
પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી કિંમતી રત્નો અને અમૃતની સાથે-સાથે હળાહળ વિષ પણ બહાર આવ્યું. આ વિષ એટલું ભયંકર હતું કે તેનાથી સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતો. જ્યારે દેવો અને દાનવો ગભરાઈ ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ભોલેનાથની શરણમાં જવાની સલાહ આપી.
દેવો અને દાનવોએ ભગવાન શિવ પાસે જઈને પ્રાર્થના કરી. સૃષ્ટિ પરનું સંકટ જોઈને દયાળુ ભોલેનાથે તે સમગ્ર વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. વિષની તીવ્ર અસરને કારણે તેમનું ગળું વાદળી (નીલ) રંગનું થઈ ગયું, અને તેથી જ તેઓ 'નીલકંઠ' તરીકે ઓળખાયા.
જળ અભિષેકથી શાંતિનો આશીર્વાદ
વિષને કંઠમાં ધારણ કરવાથી શિવજીને તીવ્ર બળતરા થવા લાગી. આ જોઈને બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને પોતાના કમંડળમાંથી જળ લઈને શિવજી પર અભિષેક કરવા જણાવ્યું. ઇન્દ્રએ જળ અભિષેક કરતા જ શિવજીની બળતરા શાંત થવા લાગી. આ પ્રસંગથી પ્રસન્ન થઈને શિવજીએ આશીર્વાદ આપ્યા કે, "જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારા પર જળ અભિષેક કરશે, તેની શારીરિક, માનસિક કે આર્થિક બળતરા (કષ્ટ) દૂર થશે અને તેને શાંતિ પ્રાપ્ત થશે."
આ પણ વાંચો: હરિયાળી અમાસ પર આજે કરો તુલસીની પૂજા, મા લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહેશે
આ જ કારણથી, શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે. શિવભક્તો આ માસ દરમિયાન પૂજા-અર્ચના, વ્રત અને જળાભિષેક કરીને પોતાના અને પોતાના પિતૃઓના કલ્યાણ તથા શાંતિ માટે પ્રાર્થના કરે છે. શિવજીના આ આશીર્વાદ આજે પણ ભક્તોને તૃપ્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે.