Get The App

દાહોદ મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન, બીજા કેસમાં હજુ જેલમાં બંધ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
દાહોદ મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન, બીજા કેસમાં હજુ જેલમાં બંધ 1 - image

Dahod MNREGA scam: ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) યોજનામાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાની કુલ 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ કૌભાંડ સંબંધિત એક કેસમાં સેશન્સ કોર્ટે મંત્રીના બંને પુત્રોને જામીન મંજૂર કર્યા છે, જ્યારે બીજા કેસમાં તેઓ હજુ જેલમાં બંધ છે.

સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના જામીન હુકમને માન્ય રાખ્યો

મનરેગા કૌભાંડના પ્રથમ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. આ જામીન રદ કરવાની માંગ સાથે પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના જામીન આપવાના હુકમને માન્ય રાખીને પોલીસની અરજી ફગાવી દીધી છે અને મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા છે.

મહત્ત્વનું છે કે, મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે, પરંતુ બીજા કેસમાં તેમની સામે વધુ ફરિયાદો નોંધાઈ હોવાથી તેઓ હજુ જેલમાં જ છે. અગાઉ, દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્રોને ગત 29 તારીખે જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાંની સાથે જ પોલીસે મંત્રી પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની અન્ય કેસમાં ધરપકડ કરી હતી. ભાણપુર ગામે રૂ. 33 લાખના કૌભાંડ કર્યાની બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાંથી 21 કામો માત્ર કાગળ પર બતાવીને મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડઃ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

કૌભાંડીઓએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો

મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં જ રૂ. 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રી પુત્રોએ રૂ. 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા રૂ. 9 કરોડના કામોમાંથી રૂ. 82 લાખના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન રૂ. 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, એન.જે. કન્સ્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ પણ સરકારને રૂ. 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

કૌભાંડના પ્રથમ કેસમાં મંત્રીના બંને પુત્રોને જામીન મળી ગયા છે, જેથી ચર્ચા છે કે આ ચુકાદાના આધારે તેમને બીજા કેસમાં પણ જામીન મળવાની શક્યતા છે.