અમદાવાદમાં 148મી રથયાત્રા સંપન્ન: નગરચર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
Rath Yatra 2025: આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રાની નીકળી હતી. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. રથયાત્રામાં અમદાવાદ પોલીસતંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટપૂર્વકનું ધ્યાન રખાયું હતું. જગન્નાથ ભગવાન નગરચર્યા કર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. આ દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે નિજ મંદિરે લાખો ભક્તોએ ઉમટ્યાં હતા. ભગવાનના રથ નિજ મંદિરે પહોંચતા દર્શનાર્થીઓએ ઉત્સાહભેર ભગવાનનું સ્વાગત કર્યુ હતું. આમ, અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે.
રથયાત્રા થઈ સંપન્ન
રથયાત્રામાં ગજરાજ થયા હતા બેકાબૂ
ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું હતું. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન ઊભું થયું હતું. જેમાં રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબુ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતાં આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબુ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેવામાં પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી મચી ન હતી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની મહત્ત્વપૂર્ણ અપડેટ્સ:
મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા કરી હતી. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઇવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન છે. ભગવાનના રથ નિજ મંદિરે પહોંચતા દર્શનાર્થીઓએ ઉત્સાહભેર ભગવાનનું સ્વાગત કર્યુ હતું. નગરચર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા છે, ત્યારે લાખો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.
મંદિર બહાર ભક્તોની ભારે ભીડ
ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે, ત્યારે જગન્નાથ મંદિરે ટ્રક અને અખાડા પરત ફર્યા છે. ભગવાનના રથ મંદિર ખાતે પહોંચવાના છે, ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ત્રણેય રથ શાહપુર પહોંચ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે. દરિયાપુર તંબુ ચોકીથી ત્રણેય રથ પસાર થયા બાદ હવે રથ શાહપુર ખાતે પહોંચ્યા છે. લાખો ભક્તો ભગવાનની રથયાત્રામાં ઉમટ્યા છે, જ્યારે રથયાત્રા નિયત સમયથી આશરે એક કલાક પાછળ છે.
તંબુ ચોકી ખાતે ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો
રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરી રહી છે, ત્યારે ભગવાનનો રથ પ્રેમ દરવાજા આગળ નીકળીને હવે જગન્નાથ ભગવાનનો રથ તંબુ ચોકી ખાતે પહોંચ્યો છે.
આ પણ વાંચો: Rath Yatra 2025: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો
પોલીસ અને ગૃહમંત્રી દરિયાપુર પહોંચ્યા
ત્રણેય રથ સરસપુરથી નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે. રથયાત્રા પ્રેમ દરવાજા આગળ નીકળી છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રી, પોલીસ સ્થાનિક ધારાસભ્ય સહિત નેતા દરિયાપુર પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આકાશી નજારો
સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન, પ્રેમ દરવાજા પહોંચ્યા
સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન શરુ કરુ દીધું છે. ગજરાજના પ્રસ્થાન કર્યા બાદ ભજન મંડળી, અખાડા, રથ નિજમંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ગજરાજ શહેરના પ્રેમ દરવાજા સુધી પહોંચ્યા.
ભગવાન જગન્નાથનું મામેરું રથ સુધી પહોંચ્યું
ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે મોસાળ પહોંચી ગયા છે. લાંબા સમયથી જે મામેરાની તૈયારીઓ થઈ રહી હતી, તે મામેરું ભગવાન જગન્નાથના રથ સુધી પહોંચી ગયું છે. આ મામેરું ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવશે.
હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લ્હાવો
ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળમાં પહોંચી ગઈ છે. હવે બે-થી ત્રણ કલાક ત્રણેય રથ સરસપુર રહેશે અને ત્યાં સુધી હજારો ભક્તો પ્રસાદનો લ્હાવો લેશે. હાલ ભક્તો શાક, પુરી અને મોહનથાળનો પ્રસાદ આરોગ્યો હતો. આખુંય અમદાવાદ હાલ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે.
ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે પહોંચ્યા સરસપુર
ભગવાન જગન્નાથનો રથ સરસપુર પહોંચી ગયો છે. મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પુષ્પવર્ષા કરીને ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આખું સરસપુર જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે. લોકો ઉમળકા સાથે ભગવાનને વધાવી રહ્યા છે. આ પહેલાં બહેન સુભદ્રાજીનો રથ સરસપુર પહોંચી ગયો હતો અને હવે બલભદ્રજીનો રથ તાલધ્વજ પણ સરસપુર પહોંચી ગયો છે.
સુભદ્રાજીનો રથ સરસપુર પહોંચ્યો
અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાના અવસરે ચારેબાજુ જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. ત્રણેય રથ મામાના ઘરે સરસપુર પહોંચી રહ્યા છે. જોકે, હાલ બહેન સુભદ્રાજીનો રથ દેવદલન સરસપુર પહોંચી ગયો છે. ભગવાન જગન્નાથ અને બલભદ્રજીનો એકબીજાના રથની 20 મિનિટના અંતરે છે. ટૂંક સમયમાં અન્ય બે રથ પણ સરસપુર પહોંચશે. જોકે, બલભદ્રજીના રથમાં ખામી પહોંચવાના કારણે તેમનો રથ પહોંચવામાં થોડું મોડું થઈ શકે છે.
રથયાત્રાના રથમાં સર્જાઈ ખામી
ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલ કાલુપુરથી સરસપુર તરફ જઈ રહી છે. આ દરમિયાન ત્રણ રથમાંથી એક રથનું પૈડું બગડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. બલભદ્રજીના રથ તાલધ્વજના પૈડાનો બેલ્ટ તૂટી જતાં રથમાં ખામી સર્જાઈ હતી. હાલ, રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ રથયાત્રા ફરી શરુ થશે.
આ પણ વાંચો: 'ગાર્ડ ઓફ ઓનર અને AIનો ઉપયોગ...' અમદાવાદની રથયાત્રામાં પહેલી વખત બની આ 3 રસપ્રદ વાતો
કાલુપુર સર્કલથી સરસપુર જવા રવાના
ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રનો રથ કાલુપુર સર્કલથી સરસપુર જવા રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં તે મામાના ઘરે પહોંચશે.
ભગવાન જગન્નાથના રથ પર અમી છાંટણા
હાલ ભગવાન જગન્નાથની રથયાત્રા રાયપુર ચકલા થઈને સરસપુર જઈ રહી છે. આ દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ શરુ થયો છે. મેઘરાજાએ રથ પર અમીછાંટણા કર્યા છે. એવી માન્યતા છે કે, દર વર્ષે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે ત્યારે મેઘરાજા અમીછાંટણા કરે છે. આ વર્ષે પણ રથયાત્રામાં વરસાદના આગમનથી ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાયપુર ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ
ભગવાન જગન્નાથનો રથ હાલ રાયપુર ચકલા પહોંચ્યો છે. જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે યાત્રા આગળ વધી રહી છે.
સરસપુરમાં મામેરાની તૈયારી
ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર જઈ રહ્યા છે. એવામાં સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો છે. સરસપુરમાં મામેરાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથના સ્વાગત માટે ઉમટ્યા છે.
AMC ઑફિસે ભગવાન જગન્નાથનું સ્વાગત કરાયું
ભગવાન જગન્નાથની રથ અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઑફિસ પહોંચ્યા છે. જ્યાં તેમનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. AMC ખાતે સ્વાગત બાદ હવે ભગવાન જગન્નાથ મામાના ઘરે સરસપુર જવા રવાના થયા છે.
ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચ્યા
અષાઢી બીજના દિવસે સવારથી શરુ થયેલી રથયાત્રા હાલ ધીમે-ધીમે મામાના ઘરે સરસપુર જવા આગળ વધી રહી છે. જોકે, રથયાત્રામાં જોડાયેલા ગજરાજ અને ટ્રક મામાના ઘરે સરસપુર પહોંચી ચૂક્યા છે.
જગન્નાથનો રથ ખમાસા પહોંચ્યો
વહેલી સવારથી શરુ થયેલી રથયાત્રા હાલ ધીમે-ધીમે મામાના ઘરે સરસપુર જવા આગળ વધી રહી છે. હાલ, ભગવાન જગન્નાથ અને અન્ય બે રથ ખમાસા પહોંચ્યા છે.
ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા
ગજરાજો બેકાબુ થવાના કારણે બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી હતી. જેમાંથી એકની સ્થિત ગંભીર હોવાથી તેને SVP હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બેકાબુ હાથી હાલ રથયાત્રાના રૂટથી હટાવી દેવામાં આવ્યા છે.
શંકાસ્પદ ડ્રોન તોડી પડાયું
રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. જેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પડાયું છે.
AMC ઑફિસ પહોંચશે
વહેલી સવારથી શરુ થયેલી રથયાત્રા હાલ ધીમે-ધીમે મામાના ઘરે સરસપુર જવા આગળ વધી રહી છે. ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ AMC પહોંચશે.
ગજરાજ બેકાબુ થતાં ડી.જે અને મ્યુઝિક બંધ કરાયા
રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયાની ઘટના બન્યા બાદ મ્યુઝિક અને ડી.જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે મ્યુઝિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાલ તમામ ટ્રકને અને અન્ય ડી.જેની ગાડીઓને મ્યુઝિક બંધ કરવા અનુરોધ કરી રહી છે.
સરસપુરમાં મામેરા વિધિ
ભગવાન જગન્નાથ મામાના ઘરે સરસપુર જઈ રહ્યા છે. એવામાં જમાલપુર જગન્નાથના મંદિરથી લઈને સરસપુર સુધી બધું જ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે. હાલ, સરસપુર ખાતે મામેરા વિધિનું પણ સમાપન થઈ ચૂક્યું છે. ધાર્મિક રીતે મંત્રોચ્ચાર સાથે મામેરા વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ સરસપુર પહોંચે ત્યારબાદ તેમને આ મામેરું ધરાવવામાં આવશે.
રથયાત્રાના ડ્રોન વિઝ્યુઅલઃ
રથયાત્રામાં બાળક કે સ્વજન વિખૂટુ પડી ગયું? તો તુરંત આ ડેસ્ક પાસે પહોંચી જાવ
રથયાત્રા ઉત્સવ દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મહિલા ક્રાઇમ બ્રાન્ચે સરસપુર વિસ્તારમાં સંયુક્ત રીતે સમર્પિત હેલ્પ ડેસ્ક મૂક્યા છે. આ પહેલ જાહેર સલામતી અને બાળ સુરક્ષા વ્યૂહરચનાના ભાગ રૂપે કરવામાં આવી છે. આ ડેસ્ક પર મુખ્યત્ત્વે ગુમ થયેલા બાળકોના અહેવાલોનો ઝડપી જવાબ આપવા અને પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા ધ્યાન કેન્દ્રિત કરશે.
ભજનમંડળીઓ હર્ષોલ્લાસ સાથે રથયાત્રામાં જોડાઈ, મીઠુડા ભજન ગાઈ કાનુડાને રીઝવી રહ્યા છે ભક્તો
રથયાત્રામાં લોકોનો અનેરો આનંદ, સાંસ્કૃતિક વેશ ધારણ કરી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થયા લોકો
જમાલપુર દરવાજામાં ફસાઇ ટ્રક
અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા શરુ છે. એવામાં ભગવાન જગન્નાથના રથની સાથે હાથી અને ટ્રક વિશેષ આકર્ષણ જમાવે છે. એવામાં એક ટ્રક જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે દરવાજામાં લગાવેલા કેટલાક વાયરો ખસેડવા પડ્યા અને ટ્રકમાં બેઠેલા લોકો નીચે નમ્યા ત્યારબાદ ભારે જહેમત બાદ ટ્રક પસાર થઈ શકી.
રથયાત્રામાં હિન્દુ-મુસ્લિમ એકતા
રથયાત્રાના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી મળી હતી. જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો ફૂલ અને હાર સાથે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક લોકોની આંખે વળગીને આવ્યું હતું.
વિવિધ ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રામાં 100થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે. આ ટ્રકે રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ક્યાંક રાફેલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પર ટ્રક જોવા મળી રહ્યું છે. વળી, અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાને લઈને પણ ટ્રક સજાવવામાં આવ્યું હતું. માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે. આ સિવાય ભજન મંડળીઓ પણ કાન્હાના ભજન ગાતાં-ગાતાં આગળ વધી રહ્યા છે. આખાય અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે.
ભજન મંડળી અને ટ્રક સાથે રથયાત્રા નગરચર્યાએ નીકળી
ભજન મંડળી, હાથી ટ્રક અને અખાડા સાથે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું. કૃષ્ણ ભક્તિમાં લીન થયું અમદાવાદ.
દિલીપદાસજી મહારાજને જગતગુરુની પદવી મળી
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને અષાઢી બીજ પાવન પર્વના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરુની પદવી આપવામાં આવી છે. હવેથી તેઓ મહામંડલેશ્વરની બદલે જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.
ત્રણેય રથ જય રણછોડના નાદ સાથે પ્રસ્થાન, ટૂંક સમયમાં જમાલપુર ચકલા પહોંચશે
રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે. ત્રણેય રથ એકબાદ એક નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ગણતરીના સમયમાં રથયાત્રા જમાલપુર દરવાજાથી આગળ નીકળશે અને જમાલપુર ચકલા પહોંચશે.
અમી છાંટણા વચ્ચે રથયાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ બાદ રથયાત્રાનું પ્રસ્તાથ થઈ ચૂક્યું છે. અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળ્યા છે.
પહિંદવિધિ બાદ રથયાત્રાનો આરંભ
ભગવાન જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથના દર્શન બાદ મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી અને પોતાના હાથે ભગવાન જગન્નાથનો રથ ખેંચીને યાત્રાનો આરંભ કર્યો છે.
ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર અપાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં પહિંદવિધિ કરશે. ત્યારબાદ રથયાત્રા પ્રસ્થાન કરશે. જોકે, આ પહેલાં ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિરે પહોંચ્યા
જગન્નાથની રથયાત્રાનું આગમન થવાને હવે ગણતરીનો સમય બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ બાદ રથયાત્રાનું આગમન થશે. હાલ મુખ્યમંત્રી મંદિરે પહોંચી ગયા છે.
ભગવાન રથ પર સવાર, પહિંદવિધિની તૈયારી
નિજ મંદિર ઝળહળી ઊઠ્યું
નિજ મંદિર બહાર ભક્તોની ભારે ભીડ
ભગવાન જગન્નાથ મંદિરમાંથી બહાર આવીને આજે નગરચર્યા કરશે અને ભક્તોને દર્શન આપશે. જોકે, વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં હર્ષોલ્લાસ અને જય જગન્નાથના નાદ સાથે ગૂંજી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિર પહોંચી રહ્યા છે. નિજ મંદિરમાં હાલ ભક્તોનું માનવ મહેરામણ જામ્યું છે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન
અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે તૈયાર છે. હાલ તેમની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરાયા છે. ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
અમિત શાહે કરી મંગળા આરતી
અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી. ભારે સિક્યોરિટી સાથે ગૃહ મંત્રી મંદિરે પહોંચી ભગવાન જગન્નાથની આરતી કરી હતી. મોટી સંખ્યામાં નિજ મંદિરે પહોંચેલા ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ.
આજનો રથયાત્રાનો કાર્યક્રમ
• સવારે 4 વાગ્યે મંદિરે મંગળા આરતી પૂર્ણ
• મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજાયો
• રાસમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય
• સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે
• પહિંદવિધિ બાદ રથયાત્રા નીકળશે
ભગવાન જગન્નાથને સૌપ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર અપાશે
આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આજે સવારે પહિંદ વિધિ પહેલાં ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નહતું.
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી અને સરસપુરમાં રણછોડરાય મંદિરે કર્યા દર્શન
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી અમદાવાદની જગન્નાથ રથયાત્રા આજે 27 જૂને નીકળવાની છે, ત્યારે ગઇકાલે (26 જૂન) ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરસપુર રણછોડરાય મંદિરે દર્શન માટે પહોચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
રથયાત્રા પહેલા ગજરાજ અને રથનું કરાયું હતું પૂજન
ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે, તેવા ત્રણેય રથનું ગઈકાલે પૂજન કરવામાં આવ્યું હતું. પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવી હતી. ભગવાનની શાહી સવારી એવા રથને પંરપરાગત રીતે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ભગવાનના રથો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઢોલ નગારાના તાલ સાથે હર્ષોઉલ્લાસ સાથે રથ મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભગવાનના અતિપ્રિય રાસ ગરબા આદિવાસી નૃત્યુ કરવામાં આવ્યું હતું. જેની સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
અમદાવાદમાં કેટલાક વિસ્તારોને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયા
અમદાવાદમાં રથયાત્રાના પગલે મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. લોકોને મુશ્કેલી ના પડે તે માટે અમદાવાદ પોલીસે કેટલાક વિસ્તારોને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી 'નો પાર્કિગ ઝોન' જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ મલિક દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર 24 હજાર સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત અને હાઈ-ટેક સુરક્ષા
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીના 148મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિના વિધ્ને નીકળે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. 16 કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટ પર તેમજ કાયદો-વ્યવસ્થા માટે 24 હજારથી વઘુ સુરક્ષાકર્મીઓને ગુરૂવારે સવારથી કામગીરી સોંપી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ, પેરામીલેટરી ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશમાં પ્રથમવાર AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટની કામગીરી કરશે. તેમજ ડ્રોન, GPS સહિતની ટેક્નોલોજીનો પણ કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં પહેલીવાર AI ટૅક્નોલૉજીથી રખાશે દેખરેખ
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ આજે 148મી રથયાત્રા રૂપે નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રા સમગ્ર દેશની સૌથી લાંબા રૂટની રથયાત્રા છે અને તે વિના વિધ્ને પસાર થાય તે માટે અમદાવાદ પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સની સાથે કુલ 24 હજાર જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. પોલીસે સૌ પ્રથમવાર AI ટેકનોલોજીથી સજ્જ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવાની સાથે ફાયર એલર્ટ પણ આપશે. આ ઉપરાંત, પાંચ હજારથી વધારે બોડીવોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસના સાધનોની મદદ પણ લેવામાં આવશે.
ગુરૂવારે બપોરથી જ પોલીસ અને સુરક્ષા કર્મીઓને બંદોબસ્ત સોંપી દેવામાં આવ્યો છે જે શુક્રવારે રાત્રે ત્રણેય રથ નિજમંદિરે પરત ફરે ત્યાં સુધી યથાવત રહેશે. 16 કિલોમીટર લાંબી રથયાત્રામાં રથ, અખાડા, ભજન મંડળી અને ટ્રક તેના નિયત સમય સાથે રૂટ પર ચાલે તે માટે ક્રાઇમબ્રાંચે 4500 જેટલા પોલીસ કર્મીઓનો મુવીંગ બદોબસ્ત ગોઠવ્યો છે. આ ઉપરાંત, રથયાત્રાને કારણે તેના રૂટની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક વિભાગના એક હજાર કર્મચારીઓ 23 જેટલી ક્રેન અને અન્ય સાધનો સાથે તૈનાત રહેશે. આ ઉપરાંત, 3200 જેટલા સીસીટીવી કેમેરા, 75 ડ્રોનથી લાઇવ ફીડ મેળવીને પોલીસ કંટ્રોલ રૂમ પર નજર રખાશે. પોલીસે ટેરેસ બંદોબસ્ત માટે 240 ધાબા પોઇન્ટ, 25 વોચ ટાવરની વ્યવસ્થા કરી છે. યાત્રા દરમિયાન કોઇને મુશ્કેલી ન પડે તે માટે 17 જન સહાયતા કેન્દ્ર, 44 પબ્લીક એડ્રેસ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી છે.
રથયાત્રા નિમિત્તે વહેંચાય છે મગનો પ્રસાદ
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા જગન્નાથ પુરી અને અમદાવાદ સહિતના સ્થળોએ રથાયાત્રા યોજાય છે. રથયાત્રામાં મગનો પ્રસાદ શા વહેંચવામાં આવે છે? આયુર્વેદમાં ''મગ'' શરીર માટે શક્તિવર્ધક છે. જેઠ માસમાં પ્રભુશ્રી જગન્નાથજી, પ્રભુશ્રી બલરામજી, દેવી સુભદ્રાજી ત્રણેય ભાણેજડા મોસાળમાં સહેલ કરવા જાય છે. વધુ સરભરા થતાં તબિયત નાદુરસ્ત થાય છે. આંખો આવે છે. આ રોગને ત્વરીત નાબૂદ કરવા મગ ફણગાવેલા અને જાંબુ આપવામાં આવે છે. મગથી ત્વરીત શક્તિ પ્રદાન થતાં અષાઢી બીજના રોજ શણગાર સજી, રથમાં બેસી નગરચર્યાએ નીકળી પડે છે.
સૌ નગરજનોને, ભક્તોને મળી ખબર અંતર પૂછી, ભાવથી આશીષ આપે છે. રથયાત્રામાં ''મગ'' વ્રતનો મહિમા અપાર છે. પ્રભુની આ યાત્રામાં હજારો મણ ફણગાવેલા ''મગ'' પ્રસાદીમાં વહેંચાય છે. આ વ્રતમાં જે લોકો એક વખત મગ અર્પણ કરે છે પછી દર વર્ષે તેમાં વધારો કરી મગ પધરાવે છે. જેમ કે આ વર્ષે યથાશક્તિ મગ અર્પણ કર્યા હોય તો આવતા વર્ષે તેમાં વધારો કરી મગ અર્પણ કરી, ઉત્તરોત્તર દર વર્ષે મગમાં વધારો કરવાનો હોય છે.
રથયાત્રા અમદાવાદની ઓળખ બની
અમદાવાદ 148 વર્ષમાં ઘણું વિકસ્યું છે. રથયાત્રામાં બિરાજમાન ભગવાનને નવા અમદાવાદના દર્શન પણ કરાવવા જાઇએ એવી માગ બળવત્તર બની રહી છે, પરંતુ પરંપરાગત રૂટ બદલવો આસાન નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દરેક ક્ષેત્રે કરતા થયા છીએ તે આવકાર્ય છે, પરંતુ પરંપરા સામે આપણે લાચાર થઈ જઈએ છીએ. રથયાત્રા અમદાવાદની ઓળખ બની ગઇ છે. અમદાવાદની રથયાત્રાનું જીવંત પ્રસારણ લાખો લોકો જુએ છે. ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ ત્રણ રથમાં બિરાજમાન થશે અને ભક્તો તે રથ ખેંચીને તેમને શહેરમાં યાત્રા કરાવશે. ખુદ સામેથી આવેલા ભગવાનના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.
ભગવાનના દર્શન માટે થાય છે પડાપડી
પુરી અને અમદાવાદની રથયાત્રામાં લાખો લોકો સ્વયંભૂ જોડાતા હોય અને ભગવાનની એક ઝલક મેળવવા પ્રયાસ કરતા હોય ત્યારે પરંપરાગત પ્રથાઓનું મહત્ત્વ સમજાય છે. રથયાત્રામાં સાથે ચાલતા ભક્તોની ભીડ અને અખાડાના યુવાનોની કસરતના ખેલ તેમજ ભજન મંડળીઓને જોતાં જોતાં લોકો આનંદ લૂંટતા હોય છે. સતત 'જય રણછોડ'ના નારા વચ્ચે ભગવાનના દર્શન કરવા માટે પડાપડી કરી રહેલા શ્રદ્ધાળુઓને જોવા તે પણ એક લ્હાવો છે.
ગુજરાતમાં 50 સ્થળોએ યોજાય છે રથયાત્રા
ગુજરાતમાં 50 સ્થળોએ રથયાત્રા યોજાય છે. સૌથી અગ્રેસર અમદાવાદની રથયાત્રા છે અને બીજા નંબરે ભાવનગરની રથયાત્રા આવે છે. સુરતની નજીક આવેલા અને ટચુકડું કહી શકાય એવા મરોલી ખાતેના રણછોડરાયજી મદિરે રથયાત્રાનું આયોજન થાય છે. ડાકોરમાં રથયાત્રા શનિવારે યોજાશે.
148 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા 35 દેશો સુધી વિસ્તરી
ભગવાન જગન્નાથની રથયાત્રા હવે માત્ર ઓરિસાના જગન્નાથ પુરી કે અમદાવાદના જગન્નાથ મંદિર સુધી સીમિત નથી રહી. વિદેશમાં પણ જ્યાં ભગવાન કૃષ્ણનાં મંદિરો, ખાસ કરીને જ્યાં ઇસ્કોન અને સ્વામિનારાયણનાં મંદિરો છે ત્યાં રથયાત્રાનું ઓયોજન થાય છે. અમેરિકાના ડલાસમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન 28મીએ રથયાત્રા ઉત્સવ ઉજવશે. અમેરિકામાં ચાર સ્થળે મોટી રથયાત્રા યોજાય છે. ઇસ્કોન મંદિરે રથયાત્રાના કોન્સેપ્ટને આગળ વધાર્યો છે. વિશ્વમાં મોસ્કો, ન્યૂયોર્ક, હ્યુસ્ટન, એટલાન્ટા, લંડન, રોમ, ઝુરીચ, સિડની, પર્થ, નૈરોબી સહિતનાં 108 શહેરોમાં રથયાત્રા યોજાય છે. 148 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા 35 દેશો સુધી વિસ્તરી છે.
સુરતમાં અષાઢી બીજ નહીં, બે દિવસ બાદ યોજાશે રથયાત્રા
સુરતના વેસુ ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા આગામી 29 જૂન એટલે કે રવિવારના રોજ નીકળશે. અષાઢી બીજના દિવસે એક-બે નહીં પરંતુ સાત રથયાત્રા નીકળે છે. પરંતુ, એક જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, જે અષાઢી બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે વડોદરામાં રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળશે
12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેનક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 259 લોકો મોતને ભેટ્યા છે. હજું આ વાતનો મહિનો પણ પૂરો નથી થયો અને અનેક ઘરોમાં શોકની લાગણી છે. જેથી લોકોની ભાવના અને સંવેદનાને માન આપતા તેમજ મોતને ભેટલા લોકોને શ્રદ્ધાંજલિના રૂપે આ વર્ષે વડોદરામાં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે. આ મહત્ત્વનો નિર્ણય ઈસ્કોન મંદિર દ્વારા લેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે પ્રથમવાર યોજાશે રથયાત્રા
લીંબડીમાં આજે અષાઢી બીજે પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. 50 લાખ ખર્ચે તૈયાર કરવામાં આવેલા રથમાં બેસી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્ચા કરશે. શહેરમાં પ્રથમ વખત નીકળનારી રથયાત્રાને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા અષાઢી બીજના ત્રીજા કે ચોથા દિવસે નીકળે છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે જે ભક્તો મુખ્ય યાત્રામાં ભગવાનના દર્શન નથી કરી શકતા કે તેનો લ્હાવો નથી લઈ શકતા તે લોકો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરે.
દ્વારકામાં અષાઢી બીજે દ્વારકાધીશ મંદિર પરિસરમાં પરંપરાગત રથયાત્રા યોજાશે
દેવભૂમી દ્વારકાના જગત મંદિરમાં આજે (અષાઢી બીજ) સાંજે 5 થી 7 સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના રથયાત્રાનું આયોજન કરાયું છે. જગત મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં પધરામણી કરાવી મંદિર પૂજારી દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે.