ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ, એવોર્ડ વિજેતા શિક્ષકોને ST બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો લાભ મળશે
Gandhinagar News : રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, આવા શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
શિક્ષણ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા શિક્ષકોના સન્માન અને પ્રોત્સાહન માટે સરકાર દ્વાર આ નિર્ણય લેવાયો છે. આ મામલે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા 957 શિક્ષકોને મળશે લાભ
આ નિર્ણયનો તાત્કાલિક લાભ રાજ્યના અત્યાર સુધીના 957 રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને મળશે. ભવિષ્યમાં જે પણ શિક્ષકોને આવા એવોર્ડ મળશે, તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ પગલું શિક્ષકોના યોગદાનને બિરદાવવાની સાથે તેમને પ્રોત્સાહિત કરશે, જેથી શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવી શકે.