Get The App

સુરત એરપોર્ટ પર વિમાન પર મધમાખીઓ બેસી ગઈ, જયપુર જતી ફ્લાઈટ એક કલાક મોડી પડી

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
સુરત એરપોર્ટ પર વિમાન પર મધમાખીઓ બેસી ગઈ, જયપુર જતી ફ્લાઈટ એક કલાક મોડી પડી 1 - image


Surat Flight Bee Incident: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાતમી જુલાઈ મધમાખીઓનું એક ઝૂંડ ધસી આવ્યું હતું. જે સુરતથી જયપુરની ફ્લાઈટના લગેજ ડોર પર બેસી ગયું હતું. આ ઘટનાને લઈને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફમાં ભાગદોડ મચી હતી. એટલું જ નહીં, ફ્લાઈટ પણ એક કલાક મોડી પડતા મુસાફરોએ હાલાકી અનુભવી હતી. 

એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ

સુરતથી જયપુરની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સોમવારે સાંજે 4:20 વાગ્યે ટેકઓફ થવાની હતી. જોકે, તે પહેલા અચાનક મધમાખીઓનું ઝૂંડ એરપોર્ટ પરિસરમાં ધસી આવ્યું હતું અને પ્લેનના લગેજ ડોર ઉપર બેસી ગયું હતું. જેથી ડોર બંધ કરી શકાય તેમ નહોતું. મધમાખીઓના કારણે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ મચી હતી. એરપોર્ટના મુસાફરોને પણ આ અંગે જાણ થતા ઉચાટ ફેલાયો હતો.

આ પણ વાંચો: આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ બે જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

મધમાખીને ભગાડવા માટે ધુમાડો કરવામાં આવ્યો હતો. પણ તેની કોઈ અસર થતી જણાઈ નહોતી. જેથી એરપોર્ટના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે ધીમેધીમે મધમાખીઓ અહીંથી દુર થઈ હતી. આ બધી પ્રક્રિયામાં ફ્લાઇટ એક કલાક મોડી ઉપડી હતી. મુસાફરો એક કલાક સુધી વિમાનમાં બેસીને અકળાઈ ગયા હતા. સુરત એરપોર્ટ પર પક્ષી, ભેંસ ધસી આવવાની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ મધમાખીઓનું ઝૂંડ ધસી આવ્યું હોય અને વિમાનના ડોર પર બેસી ગયું હોય તેવી આ પહેલી ઘટના છે.

Tags :