RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ
Ahmedabad News: માહિતી અધિકાર અધિનિયમ (RTI)-2005 હેઠળ સમયસર માહિતી ન આપવા અને રાજ્ય માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને દંડ ફટકારવામાં આવ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રાજ્ય માહિતી કમિશનર દ્વારા 15,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે 10 દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.
સમયસર માહિતી ન આપતા અરજદારે અપીલ કરી
બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ 11મી સપ્ટેમ્બર 2024ના રોજ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી માંગી હતી. જેમાં વર્ષ 2022-23થી 2024 સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, 30મી ઓગસ્ટ 2024ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી અને આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.
જો કે, ચીફ ઓફિસર દ્વારા નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં ન આવતા, વિશાલ મહેતાએ 30મી ડિસેમ્બરે પહેલી અપીલ કરી હતી. પહેલી અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને 15 દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમનું પણ પાલન થયું ન હતું. અંતે અરજદારે છઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી. 31મી જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં અરજદાર વિશાલ મહેતા હાજર રહ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. આયોગ દ્વારા ખુલાસો પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આથી આયોગે માહિતી ન આપવાની બેદરકારી બદલ ચીફ ઓફિસર આકાશ પટેલને જવાબદાર ઠેરવીને કલમ-20(1) હેઠળ 15,000નો દંડ ફટકાર્યો છે.
આ દંડની રકમ ચીફ ઓફિસરે એક મહિનામાં પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કાપવામાં આવશે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી 10 દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ થયો છે.