Accident in Bavla: અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ યથાવત છે. બાવળાના બલદાણા-બેગામડા રોડ પર આજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવાર નવયુવાન ડોક્ટરને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, બલદાણા-બેગામડા રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર ડૉ. યશ હિંમતભાઈ ઝાપડિયાને એક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું તોતિંગ ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું. મૃતક યુવાને હેલ્મેટ પહેરેલું હતું, પરંતુ ડમ્પરનું વજન એટલું હતું કે હેલ્મેટ સાથે માથું છુંદાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ ડૉક્ટરનું કરૂણ મોત નીપજ્યું હતું.
ચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ કેરાળા GIDC પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ
આશાસ્પદ યુવા ડોક્ટરના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા જ ગ્રામજનોએ માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.


