Bavla abortion racket : અમદાવાદના બાવળાની પનામા હોટલમાં SOG પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટહાઉસ સંચાલકની પણ ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની ધરપકડ કરી છે. ગર્ભપાતના રેકેટમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, અમદાવાદના ડૉક્ટરની ક્લિનિકમાં પહેલા ગર્ભ પરીક્ષણ થતુ હતું. ત્યારબાદ બાવળાના ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવામાં આવતું હતું. સમગ્ર મામલે બાવળા SOGએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ડૉક્ટરની ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ બાદ હોટલમાં કરાતું ગર્ભપાત
બાવળાની હોટલમાં ગર્ભપાતના રેકેટ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં સોનીની ચાલી ખાતે આશીર્વાદ હોસ્પિટલ ચલાવતો એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષદ આચાર્ય અને આરોપી હેમલતા છેલ્લા ત્રણ વર્થી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચલાવતા હતા. સૌપ્રથમ હર્ષદ આચાર્ય હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી કરીને ગર્ભ પરીક્ષણ કરતો હતો અને પછી હેમલતા બાવળાની પનામા ગેસ્ટહાઉસમાં મહિલાને બોલાવીને ગર્ભપાત કરાવતા હોવાનું સામે આવ્યું છે.
આરોપી હેમલતા અને હર્ષદ આચાર્ય બંને છેલ્લા 15 એકબીજાના પરિચયમાં હતા અને બાળવા અને ધોળકા ખાતેની બ્રિન્દા હોસ્પિટલમાં એક સાથે કામ કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે, હેમલાત ગર્ભપાત કરાવવા આવતી મહિલા પાસેથી 15000 રૂપિયા લેતી અને તેમાંથી 8000 ગર્ભ પરીક્ષણ કરતાં હર્ષદ આચાર્યને આપતી હતી.
આ પણ વાંચો: દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત: ખાનગી હોસ્પિટલની નર્સ દ્વારા સંચાલિત 'રેકેટ'નું ભાંડાફોડ
શું હતી સમગ્ર ઘટના?
બાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે, નર્સ હેમલતા દરજી ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કૃત્ય કરી રહી છે. બાવળાની સાણંદ ચોકડી પાસે આવેલી પનામા હોટલમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમીના આધારે પોલીસે તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી સાથે એસઓજીએ પનામા હોટલમાં રેડ કરી હતી. હોટલના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનારા નણંદ એમ ત્રણ લોકોને ભુણ સાથે પડડી પાડવામાં આવ્યાં હતાં. પોલીસને હોટલના રૂમમાંથી ગર્ભપાત માટે વપરાતી દવાની ટેબલેટ ૫ણ મળી આવી હતી.


