બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા

Ahmedabad Crime: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મહિના જૂની અંગત અદાવતને લઈને એક યુવકે મહિલા પર જાહેરમાં તલવાર વડે જીવલેણ હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. હુમલાખોર યુવકે પહેલા મહિલાના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને બાદમાં જાહેર રસ્તા પર તેને રોકીને તલવારના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રખિયાલ વિસ્તારમાં રહેતી અનિતા નામની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં શહેરકોટડાના ચારમળીયાના મકાનમાં રહેતા શની નામના યુવક વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. અનિતાની નાની દીકરી થોડા સમય પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. દીકરીના ભાગી જવાના મામલે આશરે એક મહિના પહેલા અનિતાની શની સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત શનીએ રાખી હતી.
બહેનપણીના ઘરે આવી આરોપીએ માર માર્યો
બુધવારે (26 નવેમ્બર) અનિતા બાપુનગરમાં રહેતી તેની બહેનપણી પિંકીના ઘરે ગઈ હતી. સાંજના છ વાગ્યાની આસપાસ અનિતા અને પિંકી ઘરમાં હાજર હતા ત્યારે અચાનક શની ત્યાં ધસી આવ્યો હતો. અનિતાને જોતાં જ શની ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. પિંકી અને અનિતાએ તેને ગાળો બોલવાની ના પાડતાં શનીએ ઉગ્ર બનીને બન્ને પર હુમલો કર્યો હતો અને અનિતાને માર મારી ત્યાંથી જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર
આરોપીએ મહિલાને રસ્તા પર રોકી તલવારના ઘા માર્યા
આ પછી ગઈકાલે સાંજે અનિતા પિંકીના ઘરેથી પોતાના ઘરે પરત જવા માટે નીકળી હતી. બાપુનગરના જાહેર રોડ પર શની ફરી તેને રોક્યો હતો. શનીએ અનિતા સાથે ફરીથી બબાલ શરૂ કરી હતી. અનિતાએ તેને શાંતિથી વાત કરવા માટે કહ્યું છતાં શનીનો ગુસ્સો શાંત થયો નહોતો. તે વધુ ગુસ્સે થયો અને પોતાની પાસે રહેલી તલવાર કાઢીને અનિતાના માથામાં અને હાથના ભાગે ઘા મારી દીધા હતા.
તલવારના ઘા વાગતા અનિતા લોહીલુહાણ થઈ ગઈ હતી અને બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો એકઠા થતા શની ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી અનિતાએ તાત્કાલિક પિંકીને ફોન કરીને બોલાવી હતી અને ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

