કચ્છમાં બન્ની પ્રજાતિની ભેંસ 14 લાખમાં વેચાઈ, રોજનું 27 લિટર દૂધ આપે છે
AI Image |
Banni Buffalo News : પશુધનની બહોળી સંખ્યા ધરાવતા કચ્છમાં પાંચથી સાત લાખ કિંમતની ભેંસોના સોદા અવારનવાર થયા છે. આ દરમિયાન કચ્છના લખપત તાલુકાના સાન્ધ્રો ગામના એક પશુપાલકની અસલ બન્ની નસલની ભેંસ રૂ.14.01 લાખમાં વેચાઈ છે. ગુજરાતમાં કદાચ આટલા ઉંચા ભાવે ભેંસ વેચાઈ હોય તેવો આ સંભવત પ્રથમ કિસ્સો હોઈ શકે.
ભુજના સેરવા ગામના માલધારી શેરૂભાઈ ભલુએ આ ભેંસની ખરીદી કરી છે, જ્યારે વેચનાર ગાજીભાઈનો પરિવાર છે, જેમનો પરિવાર વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ ભેંસ દૈનિક 27 લિટર દૂધ આપે છે. આ ભેંસની તંદુરસ્તી તેને ખાસ બનાવે છે. તેના ચુડકંઢી શિંગડા અને આકર્ષક દેખાવ સૌનું ધ્યાન ખેંચે છે.
બન્ની નસલની ભેંસ દાયકાઓથી તેના સ્વભાવ અને દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. બન્ની નસલની ભેંસો, તરણેતર જેવા મેળાઓમાં પણ વિજેતા રહે છે. કચ્છમાં પાંચથી સાત લાખમાં વેચાતી બન્ની નસલની ભેંસોના અવારનવાર સોદા થયા છે પરંતુ 14 લાખમાં ભેંસ વેચાય તેવું ભાગ્યે જ થયું છે.