Get The App

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, 'કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે'

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, 'કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે' 1 - image


Congress Jan Aakrosh Yatra : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજથી ઉત્તર ગુજરાતમાં 'જન આક્રોશ યાત્રા'નું રણશિંગું ફૂંક્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ યાત્રાની શરુઆત કરી હતી.

યાત્રાનો રૂટ અને કાર્યક્રમ 

આ જન આક્રોશ યાત્રા તારીખ 21 નવેમ્બરથી શરુ થઈને 3 ડિસેમ્બર સુધી ચાલશે. યાત્રાના પ્રથમ દિવસે ઢીમાથી પ્રસ્થાન કર્યા બાદ કાફલો થરાદ, લાખણી, ગેલા, લાલપુર, દેતાલ (દુવા), ઉટવેલિયા અને સિધોતરા થઈને 'રાહ' મુકામે પહોંચશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ઠેર-ઠેર સભાઓ યોજીને જનસંપર્ક કરશે.

સરકાર સામે 'હુંકાર' અને આક્રોશ

મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા સળગતા મુદ્દાઓથી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અને અધિકારની લડતને બુલંદ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સહિતના નેતાઓએ રેલીમાં સરકાર સામે હુંકાર ભર્યો હતો. હાલમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ આ યાત્રાના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબહેન ઠાકોરે વર્તમાન ચાલી રહેલી (SIR) મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. એક તરફ તેમણે લોકોને જાગૃત થઈને ફોર્મ ભરવાની અપીલ કરી હતી, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

'વોટનો અધિકાર છીનવાઈ ન જાય તેનું ધ્યાન રાખજો' 

ગેનીબહેને લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ચાલતી કામગીરીમાં દરેક નાગરિકે સહયોગ આપવો જોઈએ. તેમણે ખાસ ટકોર કરતાં કહ્યું કે, 'તમારી પાસે ચૂંટણી કાર્ડ ભલે હોય, પરંતુ ફોર્મ અવશ્ય ભરજો.' તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોના ફોર્મ ઓછા ભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાનો કિંમતી મતાધિકાર છીનવાઈ ન જાય તે માટે સમયમર્યાદામાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસની વિચારધારા ધરાવતા વ્યક્તિઓને દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ભાજપ પર આકરા પ્રહાર 

ભાજપ દ્વારા અવારનવાર 'કોંગ્રેસ મુક્ત ભારત'ની વાતો કરવામાં આવે છે, જેનો જડબાતોડ જવાબ આપતા ગેનીબહેને કહ્યું હતું કે, જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી દઈશું, તો તેમણે યાદ રાખવું જોઈએ કે ભાજપની સાત પેઢી પણ કોંગ્રેસને નાબૂદ કરી શકશે નહીં.

સત્તા પરિવર્તન એ લોકશાહીનો નિયમ છે

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સત્તા માટે નહીં પરંતુ જનસેવા માટે સમર્પિત છે. લોકશાહીમાં જનતા જ જનાર્દન છે અને સત્તા પરિવર્તન થઈ શકે છે. સત્તા કોઈની જાગીરી નથી.

BLO મુદ્દે અમિત ચાવડાનું વિવાદાસ્પદ નિવેદન 

યાત્રાના પ્રારંભે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તાજેતરમાં BLO (બૂથ લેવલ ઑફિસર) દ્વારા કરવામાં આવેલા આપઘાત મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'સરકારના માનસિક ત્રાસના કારણે BLO આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે. સરકાર પોતાના રાજકીય એજન્ડા પાર પાડવા માટે કર્મચારીઓને હથિયાર ન બનાવે. તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જો સરકારની આ નીતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં તમામ કર્મચારીઓનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે.'

ચૂંટણીનો સળવળાટ ઉલ્લેખનીય છે કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો હાલ સભાઓ અને રેલીઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની આ 'જન આક્રોશ યાત્રા' ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું.

Tags :