બનાસકાંઠામાં ખાડાએ વૃદ્ધનો જીવ લીધોઃ છેલ્લાં એક અઠવાડિયામાં તંત્રના પાપે 4 લોકોના મોત
Banaskantha News: દેશભરમાં ગુજરાત મોડેલનો ઢોલ પીટનારી પાર્ટી અને તેમના તંત્રની પોલ ખોલી રહી છે. ચોમાસાના શરૂઆતના વરસાદમાં જ આખા ગુજરાતમાં ખાડારાજ જોવા મળી રહ્યા છે. જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગાંધીનગરમાં સાત વર્ષના બાળકના મોતને 24 કલાક પણ પૂરા નથી થયા, એવામાં બનાસકાંઠામાં ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે. છડીવાડીથી ધાનેરા લઈ જવામાં આવતા 75 વર્ષીય દર્દીનું ખાડાના કારણે મોત નિપજ્યું છે.
શું હતી ઘટના?
બનાસકાંઠામાં 75 વર્ષીય દર્દીને છડીવાડીથી ધાનેરા સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, તંત્રની બેદરકારીના કારણે રસ્તા પર એટલા બધા ખાડા હતા કે, ત્યાંથી વાહન પસાર નથી થઈ શકતા. એવામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્યુલન્સ પણ ફસાઈ ગઈ અને સમયસર સારવાર ન મળવાના કારણે વૃદ્ઘનું મોત નિપજ્યું હતું.
એક અઠવાડિયામાં ચાર લોકોના મોત
નોંધનીય છે કે, છેલ્લાં 24 કલાકમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જેમાં વાપી, ગાંધીનગર અને બનાસકાંઠામાં 24 કલાકમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય 26 જૂને પણ અમદાવાદમાં તંત્રના ભોગે એક આધેડનું ગટરમાં પડી જવાના કારણે મોત નિપજ્યું હતું. છેલ્લાં એક અઠવાડિયામાં ચાર લોકોના તંત્રની બેદરકારીના કારણે મોત નિપજ્યા છે.
ગુજરાત મોડેલ પર ઊભા થયા પ્રશ્નો
જે ગુજરાત મોડેલના નામે આખા દેશભરમાં મત માંગવામાં આવે છે, ત્યાં ચોમાસાના શરૂઆતી વરસાદમાં પાયાની સુવિધા પણ લોકોને મળી નથી રહી. ક્યાંક આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. તો ક્યાંક રોડ બેસી રહ્યા છે. વિકસિત ગણાતા મોટા શહેરો અમદાવાદ અને ગાંધીનગર પણ ખાડારાજમાં ફેરવાઈ ગયું છે. એમાં પણ છેવાડાના વિસ્તારની તો વાત જ થાય એમ નથી. વર્ષોથી પાકા રસ્તાનો અભાવ તો છે જ એમાં પણ ચોમાસાના વરસાદમાં અનેક જગ્યાએથી પૂલ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ફક્ત શરૂઆતી વરસાદમાં જ ગુજરાતનો વિકાસ પણ ખાડામાં પડી ગયો છે. એવામાં લોકોને ચિંતા થઈ રહી છે કે, ભાદરવાના ધોધમાર વરસાદમાં આ ગુજરાતની સ્થિતિ કેવી હશે?