Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલા જ એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. 16 બેઠકોવાળા નિયામક મંડળમાંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ બિનહરીફ બેઠકોમાં રાધનપુર અને અમીરગઢની બે બેઠકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે.
શંકર ચૌધરી રાધનપુરથી બિનહરીફ
બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ રાધનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ચૂંટાયા છે. રાધનપુરથી તેમની એકમાત્ર ઉમેદવારી હોવાથી કોઈએ ફોર્મ ભર્યું ન હતું. શંકર ચૌધરીની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેને સભાસદો અને સમર્થકોએ આવકાર આપ્યો છે. આ બિનહરીફ પસંદગી દર્શાવે છે કે સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ છે.
વાઈસ ચેરમેન ભાવાભાઈ પણ બિનહરીફ
શંકર ચૌધરી ઉપરાંત, થરાદથી પરબત પટેલ, અમીરગઢથી ભાવાભાઈ રબારી બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે ભાભર અને ડીસામાં મહિલા પ્રતિનિધિ બિનહરફી થાય છે. આ બંને મુખ્ય નેતાઓનું બિનહરીફ ચૂંટાવું બનાસ ડેરીના રાજકારણમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણનો સંકેત આપે છે.
આ પણ વાંચો: બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા
કુલ 8 બેઠકો બિનહરીફ
બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો પર કોઈ પણ હરીફ ન હોવાથી આ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ચૂંટણીનો માહોલ શાંત થયો છે અને ડેરીનું નેતૃત્વ સ્થિર અને સુચારુ રીતે ચાલશે તેવી આશા બંધાઈ છે. બાકીની બેઠકો પર હવે ચૂંટણી થશે કે કેમ તે અંગે પણ સસ્પેન્સ જળવાઈ રહ્યું છે.
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ
ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી
ઉમેદવારી પત્રોની ચકાસણી: 23 સપ્ટેમ્બર
માન્ય ઉમેદવારી પત્રોની યાદી: 24 સપ્ટેમ્બર
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 29 સપ્ટેમ્બર
હરીફ ઉમેદવારોની આખરી યાદી: 30 સપ્ટેમ્બર
મતગણતરી: 11 ઓક્ટોબર
દિગ્ગજોએ નોંધાવી ઉમેદવારી
છેલ્લા બે દિવસથી અનેક મોટા નેતાઓએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે. જેમાં પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનો સમાવેશ થાય છે. આ દિગ્ગજ નેતાઓની એન્ટ્રીથી બનાસ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધી છે.
શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા
બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરી આજે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. આ બેઠકને બનાસ ડેરીની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે, કારણ કે આ બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શંકર ચૌધરી આ મુલાકાત દરમિયાન ચૂંટણીની વ્યૂહનીતિ પર ચર્ચા કરી શકે છે.


