બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા
Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, જેના કારણે બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 10મી ઓક્ટોબરે યોજાનારી આ ચૂંટણીમાં બિનહરીફ થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. વિવિધ જૂથોના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે.
દિગ્ગજોએ નોંધાવી ઉમેદવારી
છેલ્લા બે દિવસથી અનેક મોટા નેતાઓએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે. જેમાં પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનો સમાવેશ થાય છે. આ દિગ્ગજ નેતાઓની એન્ટ્રીથી બનાસ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધી છે.
શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા
બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરી આજે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. આ બેઠકને બનાસ ડેરીની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે, કારણ કે આ બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શંકર ચૌધરી આ મુલાકાત દરમિયાન ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી શકે છે.
આ પણ વાંચો: પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી
બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું
બનાસ ડેરીની ચૂંટણીને કારણે બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ડેરીના રાજકારણ પર નજર રાખતા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે ભારે રસાકસી જોવા મળશે. એક તરફ શંકર ચૌધરીનું જૂથ છે, તો બીજી તરફ તેમના વિરોધીઓએ પણ મજબૂત રીતે મોરચો માંડ્યો છે. આ સ્થિતિમાં બનાસ ડેરીના સભાસદો અને સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો 10મી ઓક્ટોબરે જ ખબર પડશે, પરંતુ હાલ પૂરતું તો આ ડેરીના રાજકારણે ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ
ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી
ઉમેદવારી પત્રોની ચકાસણી: 23 સપ્ટેમ્બર
માન્ય ઉમેદવારી પત્રોની યાદી: 24 સપ્ટેમ્બર
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 29 સપ્ટેમ્બર
હરીફ ઉમેદવારોની આખરી યાદી: 30 સપ્ટેમ્બર
મતગણતરી: 11 ઓક્ટોબર