ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ, સરકારનો HCમાં જવાબ
Glue Traps Ban In Gujarat : ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. ત્યારે શું હોય છે ગ્લુ ટ્રેપ અને રાજ્ય સરકારે કેમ તેના પર પ્રતિબંધ મૂક્યો ચાલો જાણીએ.
ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે ગ્લુ ટ્રેપ મામલે જવાબ રજૂ કરીને જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ મામલે જોઇન્ટ ડિપાર્ટમેન્ટની મિટિંગ મળી હતી. જેમાં એગ્રીકલ્ચર સહિત ગૃહ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉંદરો, દેડકો સહિતના અન્ય નાના જીવજંતુઓને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુ ટ્રેપનું વેચાણ-ઉત્પાદન ગુનો બને છે.
રાજ્ય સરકારે શું કહ્યું?
સરકારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપની જાળમાં આવતા ઉંદર સહિતના અન્ય પ્રાણીઓ માટે તે અત્યંત પીડાદાયક હોય છે, જેનાથી તેમનું મોત પણ નીપજે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ખરીદી પર હવેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શું છે ગ્લુ ટ્રેપ?
ગ્લુ ટ્રેપ (Glue Trap) એ એક પ્રકારનું ખુલ્લુ પાંજરું ગણી શકાય. જેનો ઉપયોગ ખાસ કરીને ઉંદરો, દેડકો કે અન્ય નાના જીવજંતુઓને પકડવા માટે થાય છે. ગ્લુ ટ્રેપ એક ફ્લેટ પાટો અથવા કાર્ડબોર્ડ છે, જેના પર બહુ જ ચીકણું ગ્લુ લગાડેલું હોય છે. જ્યારે કોઈ જીવજંતુ તેના પર પગ મૂકે અથવા તેના પરથી પસાર થાય છે, તો તેમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતા નથી. ઉંદર કે અન્ય જીવજંતુને પકડવા માટે મૂકેલા ગ્લુ ટ્રેપમાં કેટલીક વખતે ઘરના બાળક કે પાલતુ પ્રાણી ફસાઈ શકે છે. મળતી માહિતી મુજબ, કેટલાક દેશોમાં તેના વપરાશ પ્રતિબંધિત મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.