Surat News: ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. 14મી જાન્યુઆરીના રોજ સુરતમાં પતંગની દોરી કારણે અલગ-અલગ દુર્ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં એક પરિવાર બ્રિજ પરથી નીચે પટકાતા પતિ-પત્ની અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે યુવકને ગળામાં દોરી ફસાતા યુવકનું મોત નીપજ્યું હતું.
સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર દોરીના કારણે અકસ્માત સર્જાયો
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા બ્રિજ પર સાંજના સમયે હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની પુત્રી આયેશા સાથે સુભાષ ગાર્ડન ફરીને પરત ફરી રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને સંતુલન ગુમાવ્યું હતું. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે ખાબક્યા હતા. આ ભયાનક પછડાટમાં રેહાન અને માસૂમ આયેશાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની રેહાના નીચે ઉભેલી રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલમાં સારવાર દમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણે ઈમરજન્સી કોલ સતત રણક્યાં, સાંજના 6 વાગ્યા સુધીના આંકડા ચોંકાવનારા
ગળામાં દોરી ફસાતા યુવકનું મોત
સુરતના વેસુ વિસ્તારમાં પણ દોરી કાળ બની હતી. 23 વર્ષીય એક યુવક પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. ગંભીર ઈજા અને વધુ પડતા લોહી વહેવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છેકે, આ ઘટનાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પતંગની દોરી કેટલી જીવલેણ બની શકે છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ગળાની સુરક્ષા રાખવી જરૂરી છે.


