5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલાઈન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Puja Timeline : આજે 5 સદીની આતૂરતાનો અંત આવી રહ્યો છે. આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મની ધજા વિધિવત લહેરાશે. આ ધર્મ ધ્વજાનો દંડ અને ધજા અમદાવાદમાં જ બન્યા છે. એટલું જ નહીં આ ધર્મ સ્તંભ પર ધ્વજારોહણ માટે મૂળ થરાદના અત્યારે અમદાવાદમાં રહેતા વિશ્વ વોરાએ અભિજિતનું 12 મિનિટનું સૂક્ષ્મ મૂહુર્ત આપ્યું છે. ત્યારે આ ધર્મ ધ્વજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઈમલાઈન અમે તમને જણાવીએ.
અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઈમલાઈન
ધર્મ ધ્વજા રોહણ શુભ દિવસ, માગશર સુદ પાંચમ, મંગળવાર.
- 11.31થી 12.13 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત
- 11.31થી 11.41 વાગ્યે ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
- 11.47થી 11.58 વાગ્યે અષ્ટોત્તરપૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ અને ધ્વજારોહણ
- 11.58થી 12.07 વાગ્યે પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
- 12.8થી 12.16 વાગ્યે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ
આ પણ વાંચો: આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી 'ધર્મ ધ્વજા', PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ
રામ મંદિરના શિખરે ઓમ સહિત શાસ્ત્રોક્ત ચિહ્નવાળી કેસરી રંગની ધજા ફરકાવાશે
ભગવાન રામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠાના આટલા સમય પછી કેમ હવે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી રહી છે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, 'આગામી 25 નવેમ્બર 2025ના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ધ્વજારોહણ વિધિ થશે. આ ઐતિહાસિક પ્રસંગમાં 23, 24 અને 25ના રોજ ત્રિદિવસીય અનુષ્ઠાન થશે. જેમાં પારંપરિક યજ્ઞ વિધિ સહિત જે ધજાનું પૂજન થશે. રામ મંદિરના શિખર પરના સ્તંભ પર જે ઘજા લહેરાશે તે શૌર્યના પ્રતિક એવા કેસરિયા રંગની હશે.'
જેમાં ઓમ સહિત અન્ય શાસ્ત્રોક્ત ચિહ્નો મૂકવામાં આવ્યા છે. આ ધજા પેરાશૂટ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે. જેથી ધજા ચારેય દિશામાં લહેરાતી રહેશે. આ અનુષ્ઠાન માટે અનેક મંત્રો અને પારંપરિક વિધાનો સહિત જ્યારે ધ્વજારોહણ થશે ત્યારે એ શુભ મૂહુર્તમાં આ વિધિ અનુષ્ઠાન જે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી એની પૂર્ણાહૂતિનો ઘોષ એટલે કે પ્રતિક કહેવાશે.
12 મિનિટના અભિજિતના સૂક્ષ્મ મૂહુર્તમાં ધ્વજારોહણ કરાશે
રામ મંદિરના શિખરે ધ્વજારોહણ માટે મૂહુર્ત અને 25 નવેમ્બરનો જ દિવસ કેમ નક્કી કરાયો તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, આ 25 નવેમ્બર 2025ના રોજ માગશર સુદ પાંચમ, મંગળવારે અમૃત યોગ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ અને શુભ છે. આ દિવસ નક્કી કરવાનું મુખ્ય કારણ એ છે કે, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાના વિવાહનો દિવસ વર્ણવ્યો છે એટલે આ દિવસ વિવાહ પંચમી તરીકે પણ શુભ અવસર છે.
આ દિવસે ધ્વજારોહણ માટેના ગ્રહો પણ અનૂકુળ મળે છે. તેથી આ દિવસ નક્કી કર્યો છે. આ દિવસે પારંપરિક વિધાનો સહિત મધ્યાહનનું અભિજિત મુહર્ત ખૂબ જ શ્રેષ્ઠ અને લાભદાયક માનવામાં છે તે બપોરે 11 વાગ્યે 31 મિનિટથી 12 વાગ્યે 13 મિનિટ સુધી છે. આ અભિજિત મૂહુર્તની અંદર પણ સૂક્ષ્મ લગ્ન નવમાંશના આધારે ધ્વજારોહણની વિધિ સંપન્ન થશે. આ નવમાંશનો 12 મિનિટનો સૂક્ષ્મ સમય છે. આ મુહૂર્તમાં મકર લગ્ન છે. જેમાં ગ્રહો ખાડામાં નથી. દરેક ગ્રહો સાનૂકુળ છે. ગુરુ પણ ઉચ્ચ સ્થિતનો છે. જે ક્રૂર ગ્રહો છે તે અપચય સ્થાનમાં રહીને શુભ બની રહ્યા છે. ચંદ્ર પણ લગ્નમાં કેન્દ્રમાં છે.
પ્રભુ શ્રીરામની જન્મ રાશિ કર્ક રાશિ અને ભારતની જન્મ રાશિ (એટલે કે આઝાદ થયા તે) કર્ક રાશિ મુજબ તે મકર લગ્ન સમસપ્તક યોગ બનાવે છે. ત્યારે કર્ક રાશિમાં ઈષ્ટ દિવસ મકર લગ્નની અંદર આ દિવસના શુભ સંયોગે અભિજિત મૂહુર્તમાં દ્વિસ્વભાવ નવમાંશની અંદર વિવાહ પંચમીના શુભ દિવસે આ ધ્વજારોહણની વિધિ સંપન્ન થશે.









