Gujarat

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી

By GS TEAM
7 May 20261 min read
બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી

અમદાવાદ,ગુરૂવાર

એક્સીસ બેંક દ્વારા સીલ કરવામાં આવતી પ્રોપર્ટીની ખરીદીમાં રોકાણ કરાવીને તેની સામે વળતર આપવાનું કહીને બેંકના પૂર્વ મેનેજર છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં બેંકના અનેક ગ્રાહકોના કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

શેલામાં રહેતા પ્રિતેશભાઇ શાહ ઇસ્કોન-આંબલી રોડ પર આવેલા પલક પ્રાઇમમાં ઓફિસ ધરાવીને વ્યવસાય કરે છે.  થોડા વર્ષ પહેલા પ્રિતેશભાઇ સી જી રોડ આવેલી એક્સીસ બેંકમાં ધંધાના કામે જતા હતા. જ્યાં બેંકના મેનેજર ભાવીન પટેલ (રહે. પ્રિત હોમ્સ, ચાણક્યપુરી,ચાંદલોડિયા) સાથે મુલાકાત થતા મિત્રતા થઇ હતી.ભાવીન પટેલ અવારનવાર પ્રિતેશભાઇની ઓફિસ પર આવતો હતો. તેણે જણાવ્યું હતું કે બેંક દ્વારા સીલ કરવામાં આવતી પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવે તો સારૂ વળતર મળે છે.

જેમાં ૯.૧૩ લાખના રોકાણની સામે ૬૦ દિવસમાં ૩.૨૩ લાખનો નફો, ૨૭.૭૨ લાખના રોકાણની સામે આઠ લાખનો નફો આપવાની વિવિધ સ્કીમ જણાવી હતી. ભાવિન પટેલ બેંકનો મેનેજર હોવાથી પ્રિતેશભાઇએ ૨૭ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ, બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે ભાવીન પટેલે બેંકના નામે અનેક લોકો ઠગાઇ કરીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.