પોલીસ કેસ પરત ખેંચવાનું કહીને પાઇપથી હુમલો કર્યો
બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી : બે ને ઇજા

વડોદરા,યુવતીનું શોષણ કરવાની મેટરમાં કરેલી ફરિયાદ પરત ખેંચવાના મુદ્દે પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
કલાલી ફાટક પાસે માધવ નગરમાં રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજુ જ્યંતિભાઇ માળી શ્રી લક્ષ્મી ફરાસખાનાના નામે ધંધો કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે હું મારા ઘરેથી નીકળી શિવાજીપુરી થઇ નિલકંઠ નગરમાં આવેલા મારા ફરાસખાનાના ગોડાઉન પર જતો હતો. મારા સંબંધીની દીકરીનું શોષણ કરનાર રોશન ત્યાંથી ચાલતો જતો હતો. તેના પિતા પણ સાયકલ લઇને આવ્યા હતા. મારા તરફ ઘુરકિયા કાઢી તેઓએ કહ્યું હતું કે, અમારી વિરૃદ્ધ કરેલી ફરિયાદ પરત ખેંચી લે. હું તારી ભત્રીજીને લઇને ભાગી જઇશ.રોશન અને તેના પિતાએ મારી સાથે ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે રોશન જીતેન્દ્રભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રાજેન્દ્ર માળીએ મને તથા મારા પિતાને કહ્યું હતું કે, હજીય તમે અહીંયાથી જાવ છો. તેઓએ મારા પર પાઇપથી હુમલો કર્યો હતો.

