ટેરેસમાં દારૃની મહેફિલ માણી છાકટા બનેલા અક્ષયે ગૃહિણીને પૂછ્યું,થોડીવાર માટે મારી પાસે આવીશ?
વડોદરા,તા.17 જાન્યુઆરી,2020,શુક્રવાર
રાવપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં દારૃની મહેફિલ બાદ છાકટા બનેલા યુવકે એક ગૃહિણી પાસે બીભત્સ માંગણી કર્યા બાદ ગૃહિણી તેમજ તેના પરિવારના સભ્યોને માર માર્યો હોવાના બનેલા બનાવ અંગે કારેલીબાગ પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે.
રાવપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટની ટેરેસ પર ગઇકાલે સાંજે કેટલાક યુવકો દારૃની મહેફિલ માણતા હતા તે દરમિયાન ઉપરોક્ત બનાવ બન્યો હોવાની વિગતો જાણવા મળી છે.
દારૃના નશામાં છાકટા બનેલા અક્ષય પટણીએ નજીકમાં રહેતી એક ગૃહિણીની છેડતી કરી થોડી વાર માટે મારી પાસે આવીશ.? તેમ પૂછતાં મહિલાએ તેને ઠપકો આપ્યો હતો.જેથી અક્ષય અને તેના બે સાગરીતોએ મહિલા સાથે ઝપાઝપી કર્યા બાદ તેના પતિ તેમજ ભાઇને પણ માર માર્યો હતો.
કારેલીબાગના પીઆઇ આર એ જાડેજાએ બનાવ અંગે ગુનો નોંધી (૧) અક્ષય દિપકભાઇ પટણી રહે.ચિત્તેખાન હનુમાન ગલી, રાવપુરા (૨) પરેશ ઉર્ફે અક્ષય પ્રવિણભાઇ સાધુ રહે.ધી કાંટા રોડ,રાવપુરા અને (૩) કૃણાલ તુષારભાઇ આચાર્ય રહે.રામ મંદિર પાસે,ધી કાંટા રોડ, રાવપુરાની ધરપકડ કરી છે.જે પૈકી અક્ષય પટણી સામે પીધેલાનો પણ કેસ કરવામાં આવ્યો છે.