For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી આવતા રાજ્ય સરકાર જાગી: તાપી રિવર લિંક યોજના રદ્દ કરવા કેન્દ્રને અરજી

Updated: May 21st, 2022

ચૂંટણી આવતા રાજ્ય સરકાર જાગી: તાપી રિવર લિંક યોજના રદ્દ કરવા કેન્દ્રને અરજી

અમદાવાદ,તા. 21 મે 2022,શનિવાર

વર્ષ 2022 જેમ-જેમ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે તેમ ગુજરાતમાં રાજકીય પવનો પણ ગરમ થઈ રહ્યાં છે. આદિવાસી સમાજનો આક્રોશ જોઈને વોટબેંક બચાવવા BJP સરકારે 2022-23ના મોદી સરકારના બજેટમાં જાહેર કરેલી પાર-તાપી-નર્મદા યોજના મુદ્દે બેકફૂટ પર આવી છે. મળતા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે સ્થગિત કરેલી આ યોજના હવે સાવ રદ્દ કરવા માટે મુખ્મંત્રી કેન્દ્ર સરકારને અરજ કરશે એવી શક્યતા છે. 

વિધાનસભા ચૂંટણી સામે છે અને આદિવાસી સમાજ આ યોજનાનો પ્રચંડ વિરોધ કરી છે ત્યારે કોંગ્રેસ અને આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા જનતા દળ આ મુદ્દે રાજકીય લાભ મેળવી શકે નહી તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આ અંગે ફેરવિચારણા કરવા અરજી કરી હતી. મોદી સરકારના ફેબ્રુઆરીમાં જાહેરાત અને માર્ચના અંતિમ સપ્તાહમાં પ્રોજેક્ટ સ્થગિત કરવાના નિર્ણય છતા વિરોધ ચાલુ રહેતા હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્રિય નાણામંત્રાલય અને પીએમઓ સાથે પરામર્શ કરીને પ્રોજેક્ટને રદ્દ કરવા માટે આજીજી કરી છે. અહી મહત્વનું છે કે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટી અને ગુજરાતમાં જનતા દળે વિધાનસભાની ચુટણીમાં જોડાણની જાહેરાત પણ કરેલી છે. 

અહેવાલ અનુસાર અંતે મોદી સરકારે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકશાન થાય તે પહેલાં જ આ સ્થગિત પ્રોજેક્ટને હવે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની આધિકારીક જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે બપોરે યોજાનારી એક પ્રેસ કોન્ફરન્સમાં કરી શકે છે. આજે સુરત ખાતે મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ કાર્યક્રમ બાદ દક્ષિણ ગુજરાત ખાતે જ આ જાહેરાત થાય એવી શક્યતા છે.

રાજ્ય સરકારે કરી હતી ભલામણ : 

રાજ્ય સરકારના જળસંસાધન મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિધાનસભામાં એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ગુજરાત સરકારે કેન્દ્રને વિનંતી કરી હતી કે આ પ્રોજેક્ટ પર તેઓ આગળ ન વધે. રાજ્યના જળ સંસાધનો અને આદિવાસી સમાજની માંગણીને ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ રદ્દ કરવા રાજ્ય સરકારની ભલામણ છે.

Article Content Image

રાજ્ય સરકાર રદ્દ કરી શકે છે પ્રોજેક્ટ ?

મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને તેને સ્થગિત કે રદ્દ માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે. આ અંગે રાજ્યોની સરકાર કોઈ નિર્ણય લઈ શકવાની સત્તા નથી ધરાવતા. રાજ્ય સરકારો માત્ર કેન્દ્રને અરજી કરી શકે છે અને અંતિમ મંજૂરી રાષ્ટ્રપતિ પાસેથી લેવાની હોય છે.

કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો :

કેન્દ્ર સરકારે અરજીને ધ્યાને લઈને પ્રોજેક્ટ સ્થગિત કરવા છતા કોંગ્રેસે વિરોધ ચાલુ રાખ્યો હતો અને માંગણી કરી હતી કે જો સરકારે આ યોજના રદ કરી હોય તો યોજના માટે ફાળવેલ બજેટ કેન્દ્ર સરકાર રદ કેમ કરતા નથી. આ સિવાય સંસદમાં આ યોજનાને રદ કરીને રાષ્ટ્રપતિ દ્વારા શ્વેતપત્ર પર સહી કરેલો ઓર્ડર કેમ બતાવતા નથી. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની જમીનો પર બનનારા આ મહાકાય ડેમો મુદ્દે કેન્દ્ર સરકાર જ્યાં સુધી શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.


Gujarat