Get The App

અમદાવાદ કે 'ખાડાબાદ'?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ 'બાન'માં

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ કે 'ખાડાબાદ'?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ 'બાન'માં 1 - image

Ashram Road Traffic, Ahmedabad : અમદાવાદ શહેર આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ આ 'વિકાસ'ની દોટમાં શહેરનું આયોજન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે શરુ કરવામાં આવેલી કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ગમે ત્યાં ખોદકામ: જનતા ત્રાહિમામ

માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 'પીક અવર્સ' દરમિયાન દરેક ચાર રસ્તે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. સ્થિતિ એવી છે કે વાહનચાલકોને એક સિગ્નલ ક્રોસ કરવા માટે 3થી 4 વખત ઊભા રહેવું પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વેડફાટ થઈ રહ્યો છે.

આશ્રમ રોડ બન્યો 'ટ્રાફિક ટ્રેપ'

અમદાવાદની જીવાદોરી સમાન આશ્રમ રોડ અત્યારે ખોદકામનું કેન્દ્ર બની ગયો છે. સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ વચ્ચેના માર્ગ પર દરરોજ લાખો લોકોની અવરજવર રહે છે, પરંતુ તંત્રએ જાણે આખો રોડ બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વાડજ સર્કલ: ઓવરબ્રિજનું કામ મહિનાઓથી ચાલતું હોવા છતાં ગતિ ધીમી છે.

નવરંગપુરા: જૂનું કામ પૂરું થાય તે પહેલા જ નવરંગપુરા ઓવરબ્રિજ પાસે નવું ખોદકામ શરુ કરી દેવાયું.

વીએસ થી પાલડી: એલિસબ્રિજ વીએસ હૉસ્પિટલથી પાલડી ચાર રસ્તા સુધી પણ ખાડાઓનું સામ્રાજ્ય છે.

રિસરફેસિંગનો છબરડો: નેહરુ બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે રિસરફેસિંગનું કામ પણ તે જ સમયે હાથ ધરાતા વાહનચાલકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે.

અધિકારીઓ વચ્ચે સમન્વયનો અભાવ

અમદાવાદના પોશ ગણાતા સી.જી. રોડ, આંબાવાડીથી લઈને પૂર્વના બાપુનગર સુધી મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, ઓવરબ્રિજ અને નવી પાઇપલાઇનો નાખવા માટે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ઇજનેરો વચ્ચેના સમન્વયના અભાવને કારણે કોઈ એક કામ પૂરું થયા પછી બીજું કામ શરુ કરવાને બદલે તમામ પ્રોજેક્ટ્સ એકસાથે ખોલી દેવાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત

શહેરનો ભાગ્યે જ કોઈ એવો એક કિલોમીટરનો રસ્તો હશે જે સળંગ ખોદ્યા વગરનો હોય. આ આયોજન વિહોણી કામગીરીને કારણે સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તંત્ર દ્વારા કરવામાં આવતા આ 'આડેધડ વિકાસ' સામે હવે જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરને ચકચકાટ બનાવવાની લ્હાયમાં હાલ તો અમદાવાદીઓ ખાડા અને ટ્રાફિકમાં હોમાઈ રહ્યા છે.