Get The App

અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત 1 - image

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર–રખિયાલ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રેનેજની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોને નેવે મૂકીને રસ્તા પર ખુલ્લું મુકાયેલું ભારેખમ ઢાંકણ 4 વર્ષના બાળક પર પડતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રમતા બાળક પર કાળ બનીને પડ્યું ઢાંકણ

પ્રાપ્ત વિગતો અનુસાર, સારસપુર–રખિયાલ વોર્ડના સંજયનગર છાપરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જની ગલીમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ગુરુવારે સવારે આશરે 8:30 વાગ્યે, મેનહોલનું અંદાજે 12 ટન વજનનું ભારે ઢાંકણ કોઈ પણ જાતની સુરક્ષા વાડ કે ચેતવણી વગર અસ્થિર રીતે બાજુમાં મૂકવામાં આવ્યું હતું.

આ દરમિયાન ત્યાં નજીકમાં રમી રહેલો 4 વર્ષનો માસૂમ બાળક રેહાન યુનુસ ખાન અચાનક આ ઢાંકણ નીચે દબાઈ ગયો હતો. ઢાંકણ સીધું બાળકના માથા અને છાતીના ભાગે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન તોડ્યું દમ

ઘટના બાદ ઈજાગ્રસ્ત રેહાનને તાત્કાલિક 1200 બેડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને બચાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ કમનસીબે બપોરે 12 વાગ્યાની આસપાસ બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બાળકના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ અને સામાજિક કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આગેવાનોએ આ ઘટનાને કોર્પોરેશનની સીધી નિષ્કાળજી ગણાવી છે. પોલીસ તપાસ અધિકારી (IO) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે BNS કલમ 106(1) હેઠળ જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે. કામકાજના સ્થળે સુરક્ષાના કડક ધોરણોનું પાલન કરાવવામાં આવે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈ શોકનો માહોલ છે. જનતામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, શું કોર્પોરેશનના અધિકારીઓની આ બેદરકારી સામે કોઈ નક્કર પગલાં લેવાશે કે ફરી કોઈ માસૂમ આવી બેદરકારીનો ભોગ બનશે?