ગ્રેમાં કામકાજ ઓછાં હોવાથી વિવિંગમાં જોબવર્કના એકમોમાં બે રજા શરૃ થઈ
ઘણા વેપારીઓએ જોબવર્ક કામ ધીમું કરાવી દીધું, પરિસ્થિતિ આનાથી પણ વધુ વિકટ થવાની ભીતિ
સુરત,
તા. 21 જુલાઈ, 2020, મંગળવાર
કાપડબજારમાં કામકાજો ખૂબ જ ઓછાં થયાં છે, પરિણામે ગ્રેની ખરીદીને સીધી અસર પડી હોઇ, વિવિગના એકમોમાં અઠવાડિયામાં બે રજાનો અમલ શરૃ થઈ ગયો છે. જોબવર્કથી કામ કરાવતાં ઘણાં વેપારીઓએ ઉત્પાદન ધીમું કરાવ્યું છે. પરિસ્થિતિ હવે આનાથી વધુ વિકટ થવાનો ભય સૌને સતાવે છે.
કાપડ બજારમાં કામકાજો ઓછા હોવાને કારણે ગ્રેની ખરીદી છેલ્લાં થોડાં દિવસથી તદ્દન અટકી ગઈ છે. વેપારીઓ પાસે પાઇપલાઇનમાં પડેલો ફિનિશ્ડનો માલ નિકાલ વગર પડયો હોવાથી ગ્રેબજારમાં કામકાજો નથી. પરિણામે વિવિંગના એકમોમાં પણ ગ્રે તાકાઓનો ભરાવો છે. આ તાકાઓના નિકાલ વગર ઉત્પાદન ચાલુ રાખવું કોઈને પણ પરવડી શકે તેમ નહીં હોવાથી એકમોમાં અઠવાડિયામાં બે-ત્રણ સજાનો અમલ શરૃ થઇ ગયો છે.
વળી, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામેતમામ યાર્નથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધીના ઉદ્યોગકારો ભીંસમાં છે. કાપડબજારના ઘણાં વેપારીઓ જોબવર્કથી ગ્રે બનાવડાવે છે. અત્યારે ફિનિશ્ડ માલ વેચાતો નહિ હોવાથી, વેપારીઓએ મશીનો ધીમે ધીમે બંધ કરાવવાનું શરૃ કર્યું છે એમ વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક કારખાનેદારે જણાવ્યું હતું.
પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે એ નક્કી નથી. પરંતુ બીજી તરફ કોરોના સંક્રમણ નો ડર હોવાને કારણે ઘણા વેપારીઓએ કામકાજ મર્યાદિત કરી દીધું છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બહારગામની જથ્થાબંધ માર્કેટમાંથી ખરીદી સ્થગિત થઈ ગઈ છે. ઘણાં રાજ્યોમાં તો લોકડાઉન હોવાને કારણે દુકાનો બંધ હોવાથી, માલની ખરીદી પણ નથી.