સંક્રમણ વધતા પાલ-પાલનપુરમાં લોકોએ કહ્યું, 10 દિવસ ફરીથી લોકડાઉન કરો
કમિશ્નરે કહ્યું, સ્વયંશિસ્ત જાળવોઃ સામાન્ય લાગતી શરદી, ખાંસી, તાવના ઇલાજમાં વિલંબ સીધા વેન્ટિલેટર સુધી પહોંચાડી શકે છે
સુરત, તા. 22 જુલાઈ, 2020, બુધવાર
કોરોનાના
કારણે થયેલા લોક ડાઉનમા સૌથી વધુ પાલન થયું તેવા રાંદેર ઝોનના પાલ, પાલનપુર, અડાજણ વિસ્તારમાં હાલ સંખ્યાબંધ કેસો આવતા મ્યુનિ. કમિશ્નરે સોસાયટીઓમાં
યોજેલી બેઠકમાં ૧૦ દિવસ ફરી લોકડાઉન કરવા માંગ થઇ હતી.
રાંદેર ઝોનના રહેણાંક વિસ્તારો પાલ- પાલનપુર અને અડાજણ વિસ્તારમાં હાલ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેથી આજે મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાની, અધિકરીઓ, સ્થાનિક કોર્પોરેટરોએ સોસાયટીના પ્રમુખો સાથે એક બેઠક કરી હતી. તેમાં કેટલાક લોકોએ વિસ્તારમાં કે રાંદેર ઝોનમાં દસેક દિવસ લોકડાઉન જાહેર કરવા અભિપ્રાય આપ્યો હતો. કર્યો હતો. લોકોએ દસેક દિવસના કડક લોક ડાઉનની માગણી કરી હતી. જોકે, કમિશ્નરે સ્વયંશિસ્ત રાખી કોરોનાને હરાવવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, સામાન્ય લાગતી શરદી, ખાંસી, તાવના ઇલાજમાં 3-4 દિવસનો વિલંબ કરાશે તો ઘણું મોડું થઇ શકે અને સીધા વેન્ટિલેટર પર જવાનો વારો આવી શકે છે. તમારી આસપાસ કોરેન્ટાઇન લોકો તેનો ભંગ કરતા હોય તો તાત્કાલિક મ્યુનિ.ને અથવા તો પોલીસને જાણ કરો. જેઓ સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા તે કોરોના સામે યુધ્ધમાં દુશ્મનને સાથ આપી રહ્યા છે.