For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અભિનેતા અરવિંદ રાઠોડ સાથે સુરતના આર્ટીસ્ટે 165 જેટલા નાટકના શૉ કર્યા

Updated: Jul 1st, 2021

અભિનેતા અરવિંદ રાઠોડ સાથે સુરતના આર્ટીસ્ટે 165 જેટલા નાટકના શૉ કર્યા

-'11 કલાક 23 મિનિટ' નાટકમાં અરવિંદ રાઠોડ સામે સુરતના રાજ વઝીરે નેગેટીવ રોલ નિભાવ્યો

-સુરતમાં 500 જેટલા શો કર્યા

સુરત

અરવિંદ રાઠોડ આ નામ ગુજરાતી-હિન્દી ફિલ્મ તથા નાટકરસીકો માટે અજાણ્યુ નથી. ૨૫૦થી વધુ ફિલ્મો અને ૭૦થી વધુ નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર અદ્ભુત અભિનેતા અરવિંદ રાઠોડનું ૮૦ વર્ષની વયે નિધન થયુ છે. તેમનો સુરત સાથે ખાસ કરીને નાટકને લઇને સુંદર નાતો રહ્યો છે. સુરતમાં તેમણે ૫૦૦થી વધુ નાટકના શો કર્યા અને સુરતના એક આર્ટીસ્ટ સાથે ૧૫૬ શૉમાં કામ કર્યુ હતુ.

અરવિંદ રાઠોડ અભિનીત '૧૧ કલાક ૨૩ મિનિટ' નાટકના દેશ-વિદેશ કુલ ૧૬૫ જેટલા શૉ થયા છે. સુરતમાં પણ આ નાટકના ૧૫ જેટલા શો થયા છે. આ નાટકમાં અરવિંદ રાઠોડ સામે વિલનના પાત્રમાં સુરતના જાણીતા રંગમંચના કલાકાર રાજ વઝીર હતા. રાજ વઝીરે જણાવ્યુ કે અરવિંદ રાઠોડ રંગભૂમિના એવા કલાકાર હતા જેમાં અદ્ભુત અભિનય ક્ષમતા સાથે અદ્ભૂત એનર્જી હતી. ૭૬ વર્ષની વયે પણ તેઓ તરોતાજા અભિનયથી યુવાઓને શરમાવતા હતા. આ નાટકમાં તેમના પાત્રને ઘણો શારીરિક શ્રમ કરવો પડે છે. અમદાવાદમાં એક દિવસમાં ત્રણ શો કરવાના હતા તેમની તબીયત થોડી ખરાબ હતી દિગ્દર્શકને બે શો માટે વિનંતી કરી પણ બધુ નક્કી થઇ ગયુ હોવાથી એ શક્ય ન બન્યુ અને છેવટે તેમણે ત્રણેય શો કર્યા અને પહેલા શો કરાત બીજામાં અને બીજા કરતા ત્રીજા શોમાં એનુ પરફોર્મન્સ લેવલ વધતુ જતુ હતુ. એમની એ એનર્જી કોઇ ચમત્કારથી ઓછી ન હતી. અભિનય માટેના ડેડીકેશનના કારણે જ તેઓ મહાન છે. મહત્વની વાત એ છે આ નાટકમાં અરવિંદ રાઠોડ હીરો છે અને રાજ વઝીર વિલન છતાં સ્ટેજ પર બંને ક્યારેય સામ સામે નથી આવતા. બંને એકપણ સીન સાથે ન હતો. અને છતાં નાટક સુપરહિટ હતુ.

સુરતના નાટક ઓર્ગેનાઇઝર વસીમ જરીવાલાએ ૩૧ વર્ષમાં  અરવિંદ રાઠોડનાં વિવિધ નાટકોના ૩૦૦થી વધુ શો કર્યા છે જ્યારે એ અગાઉ પણ ઘણા બધા શો થયા હતા એ તમામ મળીને સુરતમાં અરવિંદ રાઠોડના અંદાજિત ૫૦૦ જેટલા શો થયા હશે. એક વર્ષ અગાઉ વસીમભાઇ તેની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ગયા ત્યારે બંનેએ સાથે ચા-નાસ્તો કર્યો અને બે કલાક સુધી વાતો કરી હતી. વસીમભાઇએ કહ્યુ કે  ઇદ પર તેમની શુભેચ્છા અચુક આવતી. ખુબ મજાના માણસ હતા. આ સિવાય સુરતના નાટકકાર મહેશ વકીલ સાથે પણ તેમના સારા સંબંધો હતો. નાટક કરવા આવે ત્યારે ઘણી બધીવાર તેઓ તેમના ઘરે ડીનર લેતા હતા. મહેશભાઇની દીકરીના લગ્નમાં પણ તેઓ આવ્યા હતા.

 

બે સુરતી ફિલ્મ નિર્માતાઓને અરવિંદ રાઠોડ સાથે કામ કરવાની તમન્ના અધુરી રહી

પાટીદાર અનામત આંદોલન આધારિત ચર્ચીત અને સરકાર દ્વારા પ્રતિબંધીત ફિલ્મ 'પાવર ઓફ પાટીદાર'માં શંકરસિંહ વાઘેલાના પાત્ર માટે પહેલા અરવિંદ રાઠોડને એપ્રોચ કરાયા હતા. ફિલ્મના પ્રોડયુસર દિપક સોની અને ડાયરેક્ટર મહેશ પટેલ તેમને આ માટે મળવા ગયા હતા પણ નાદુરસ્ત તબીયતના કારણે તેમને સોરી કહીને ના કહી હતી બાદમાં એ રોલ રઝા મુરાદે કર્યો હતો. તો ગોવિંદભાઇ સાકરીયાની ફિલ્મ 'કાંટો વાગ્યો કાળજે' માં તેઓ નરેશ કનોડીયાના પિતાનો રોલ કરી રહ્યા હતા. બે દિવસનું શુટીંગ પણ થઇ ગયુ હતુ પરંતુ ત્યારે એકાએક તબીયત બગડતા તેઓ પ્રેમથી ફિલ્મમાંથી નીકળી ગયા હતા. આમ બે સુરતી ફિલ્મ મેકરની અરવિંદ રાઠોડ સાથે કામ કરવાની ઇચ્છા એ રીતે અધુરી રહી હતી. 

Gujarat