સરકારના મોનિટરિંગના દાવા વચ્ચે રાજકોટમાં ખાદ્ય તેલોના ભાવમાં બે દિવસથી કૃત્રિમ વધારો
Oil Price News : એક તરફ રાજકોટ જિલ્લા પૂરવઠા કચેરીએ રાજ્ય સરકારની સૂચના અન્વયે 38 આવશ્યક ચીજવસ્તુના ભાવોના મોનિટરિંગ થઈ રહ્યાનો દાવો કર્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ તેલ બજારમાં સતત બીજા દિવસે 20 રુપિયાનો ભાવવધારો ઝીંકાયો હતો. છતાં હાલ વરસાદી માહૌલ સહિતની સ્થિતિનો લાભ ઉઠાવીને તેલ લોબીએ બે દિવસથી ભાવવધારાનો દોર શરુ કર્યો છે. સિંગતેલ,કપાસિયા તેલમાં બે દિવસમાં જ રૂ.45નો વધારો કરાયો છે.
આ વર્ષે ગુજરાતમાં મગફળીનો રેકોર્ડ 51 લાખ ટનનો પાક થયો અને યાર્ડમાં ખેડૂતોએ તથા સરકારે પણ નીચા ભાવે મગફળી વેચી છે સિંગતેલ ગુજરાતનું જ સ્થાનિક તેલ છે અને તેલનું અને મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે.
પુરતો બફર સ્ટોક છે. વર્ષની સીઝન દરમિયાન મગફળી નીચા ભાવે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહી છે, મિલરોએ વર્ષ દરમિયાન એકંદરે અગાઉના બે વર્ષ કરતા નીચા ભાવે મગફળી મળી છે આ સ્થિતિમાં પણ આશ્ચર્યજનક રીતે સિંગતેલનાઅને કપાસિયા તેલમાં વધુ રૂ।.૨૦નો વધારો ઝીંકાતા આજે સિંગતેલ 15 કિલો નવા ટીન રૂપિયા 2305-2355 અને કપાસિયા તેલ રૂપિયા 2220-2270 પહોંચ્યું હતું. જ્યારે આયાતી પામતેલ બે દિવસ પહેલા રૂપિયા 1975 ભાવે મળતું હતુે તેમાં પણ રૂ. 40ના વધારા સાથે રૂ.2 હજારની સપાટી વટાવીને રૂ.2015એ પહોંચ્યું હતું.
કલેક્ટર તંત્રએ આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ ન થાય તે માટે કડક સૂચનાઓ આપી છે પરંતુ,ગત ત્રણ દિવસમાં પૂરવઠા સહિતના તંત્રોએ આ અંગે કોઈ ચેકીંગ કર્યું નથી કે તેની વિગતો જારી કરી નથી. માત્ર અપીલ કરવાથી કે કડક પગલાની વાતોથી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો અસ્ખલિત અને વાજબી ભાવે મળતો રહે તેવી શક્યતા નહીવત્ છે ત્યારે તંત્રે વાત કરી તેને વ્યવહારમાં લાવવા એક્શનની જરૂર વર્તાઈ રહી છે.